26 November, 2026 12:59 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
બે ફૂટની ભેંસ
પુષ્કરના મેળામાં ઘોડા, ઊંટ, બકરી, પાડા જેવાં પ્રાણીઓનો ભારે દબદબો જોવા મળ્યો હતો. મંગળવારે પૂરા થયેલા આ મેળામાં પ્રાણીઓ તેમનાં જાયન્ટ કદ, રૂપરંગ અને ખાસિયતોને કારણે ફેમસ થઈ ગયાં હતાં. જોકે આ મેળામાં છેક છેલ્લા દિવસે એક ટચૂકડી ભેંસે મહેફિલ લૂંટી લીધી હતી. આ ભેંસનું નામ હતું પિન્કી. એનું કદ છે માત્ર બે ફુટ. કદ-કાઠી એકદમ આંધ્ર પ્રદેશની પૂંગનુર ગાય જેવાં જ. મહારાષ્ટ્રના થાણેની પિન્કીની ઉંમર છે પાંચ વર્ષ. માલિક સોહેલ શકીલ એને પુષ્કર મેળામાં લઈ આવ્યા હતા. આ નૉર્મલ પ્રજાતિની જ ભેંસ છે, પરંતુ એનું કદ ખૂબ જ નાનું રહી ગયું છે. પિન્કીની મા પણ માત્ર ૩ ફુટ જ ઊંચી હતી. પિન્કી હવે દૂધ પણ નથી આપતી, એમ છતાં એના ક્યુટ કદને કારણે મેળામાં ખૂબ પૉપ્યુલર થઈ ગઈ હતી. આ ક્યુટ ભેંસની કિંમત ૧ કરોડ રૂપિયા અંકાઈ રહી છે. જોકે એનો માલિક એને વેચવા નથી માગતો. માલિકનો દાવો છે કે આ વિશ્વની સૌથી ટચૂકડી ભેંસ છે. જોકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં હાલમાં મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના મલવડી ગામમાં ત્ર્યંબક બોરાટેના ફાર્મમાં રહેતી રાધા નામની ભેંસનું નામ છે. રાધાની ઊંચાઈ બે ફુટ અને ૮ ઇંચ છે.