ગાયના પેટમાં થયેલી પથરી તો સોના કરતાંય મોંઘી: ૧૦ ગ્રામની પથરીના ૨.૫ લાખ રૂપિયા

15 March, 2026 09:32 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

જો જીવતી ગાયમાં પથરી હોવાનું જાણવા મળે તો પણ એને માત્ર પથરી માટે મારી નથી નાખવામાં આવતી. પ્રાણીના નિષ્ણાતો સર્જરી કરીને એને કાઢી નાખે છે જેથી ગાયો પણ પીડામુક્ત જીવન જીવી શકે છે.

ગાયના પેટમાં થયેલી પથરી

ભારતમાં ગાયને માતાનો દરજ્જો અપાયો છે. ગાયનું દૂધ જ નહીં, એનું છાણ પણ બહુમૂલ્યવાન હોય છે એ તો ભારતીયોને ખબર જ હોય, પરંતુ ગાયોના પેટમાં થતી પથરી પણ મોંઘેરી છે. જેમ માણસોના શરીરમાં પથરી પેદા થાય એવું જ ગાયોમાં પણ થાય છે. જોકે ગાયોને પથરી થઈ છે એનું ન તો નિદાન થાય છે કે ન એની કોઈ સારવાર. જોકે ગાય જ્યારે મરી જાય ત્યારે અથવા તો કતલખાનામાં લઈ જવાય ત્યારે તેના શરીરમાંથી પથરી નીકળે છે. મોટા ભાગે કતલખાનાંઓ પણ ગાયના પેટમાંથી નીકળતી પથરીને કચરો જ સમજી લે છે, પરંતુ ચીન અને અન્ય દેશોમાં એની બહુ મોટી કિંમત છે. આ પથરી દુનિયાની સૌથી મોંઘી ચીજોમાં ગણાય છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં એની કિંમત ૧૦ ગ્રામના ૨.૫ લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે. એને કારણે ગાય અને દુધાળાં ઢોરોનું મીટ વેચતી ઇન્ડસ્ટ્રી માટે પથરી સૌથી કીમતી બાય-પ્રોડક્ટ બની ગઈ છે. ચીન અને હૉન્ગકૉન્ગમાં એની સૌથી વધુ ડિમાન્ડ છે કેમ કે અહીં યુનાની દવાઓમાં એ વપરાય છે. નિયુ હુઆંગ તરીકે ઓળખાતી ચીની દવાઓમાં એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એનો ઉપયોગ સ્ટ્રોક, હાઈ બ્લડ-પ્રેશર અને હૃદયની બીમારીઓની દવા બનાવવામાં થાય છે. પથરી દરેક ગાયમાં હોય જ એવું જરૂરી નથી. બ્રાઝિલ જેવા દેશમાં તો ગાયોનું પથરી માટે ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને જેમાં પથરી જોવા મળે એવી ગાયોની ડિમાન્ડ પણ વધી જાય છે. અલબત્ત, જો જીવતી ગાયમાં પથરી હોવાનું જાણવા મળે તો પણ એને માત્ર પથરી માટે મારી નથી નાખવામાં આવતી. પ્રાણીના નિષ્ણાતો સર્જરી કરીને એને કાઢી નાખે છે જેથી ગાયો પણ પીડામુક્ત જીવન જીવી શકે છે.

offbeat news wildlife china beijing international news