19 October, 2025 02:47 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
શ્રી મહાલક્ષ્મી મંદિર
મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં માણકચોકમાં આવેલા શ્રી મહાલક્ષ્મી મંદિરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ચલણી નોટોની સજાવટ જોવા મળતી હતી. જોકે આ વખતે પહેલી વાર કાલિકા માતા મંદિરમાં આવેલા શ્રી મહાલક્ષ્મીનારાયણ મંદિરમાં પણ ધનલક્ષ્મીથી સજાવટ થઈ છે. ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટોને ફોલ્ડ કરીને એમાંથી મંદિરની અંદરની સજાવટ કરવામાં આવી છે. આ વખતે બન્ને મંદિરોમાં ચલણી નોટોની સજાવટ થઈ છે.
સામાન્ય રીતે માણકચોક પાસે આવેલું મહાલક્ષ્મી મંદિર નોટો અને સોનાનાં આભૂષણોની સજાવટ માટે દેશભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ આ વખતે અહીં માત્ર ચલણી નોટોની સજાવટ થઈ છે. આ ચલણી નોટ કાળું નાણું નથી. એ કાળું નાણું ન હોય એ માટે દરેક ચલણી નોટ આપનારા ભક્તની ઑનલાઇન એન્ટ્રી કરવામાં આવી હતી. રોકડનું દાન કરનારા શ્રદ્ધાળુઓને પણ ઈ-મેઇલ પર ટોકન-નંબર આપીને એનો વન ટાઇમ પાસવર્ડ ક્રૉસ ચેક કર્યા પછી જ તેમની પાસેથી રકમ લેવામાં આવી છે. સાથે જ તેમનો મોબાઇલ-નંબર અને આધાર-નંબર પણ નોંધવામાં આવ્યા છે. જેમણે પણ સજાવટ માટે ચલણી નોટો આપી છે તેમને પ્રસાદી તરીકે આ નોટ પાછી આપવામાં આવશે. રકમ પાછી આપતી વખતે પણ એ ટોકન-નંબર અને વન ટાઇમ પાસવર્ડની સિસ્ટમથી જ અપાશે. ચલણી નોટોની સજાવટ હોવાથી બન્ને મંદિરોના એકેએક ખૂણામાં CCTV કૅમેરા લગાવવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં કોઈ અનિચ્છનીય ગતિવિધિઓ ન થાય એ માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.