30 March, 2026 01:10 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
લ્યારીવાસી
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ગ્લોબલ બૉક્સ-ઑફિસ પર ૧૨૦૦ કરોડ રૂપિયાના કલેક્શનને પાર કરી ગઈ એ પછી પાકિસ્તાનના લ્યારીવાસીઓ આ ફિલ્મની કમાણીનો ૭૦થી ૮૦ ટકા હિસ્સો તેમને મળવો જોઈએ એવી ડિમાન્ડ કરી રહ્યા છે. લ્યારીવાસીઓની માગણીઓ હેરાન કરી દેનારી છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં તેમના શહેર અને બૅકડ્રૉપનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમાંથી સેંકડો કરોડ રૂપિયાની કમાણી થઈ છે તો એના બદલામાં શહેરને પણ કંઈક તો મળવું જોઈએને?
યુટ્યુબ પર એક કમ્પૅરિઝન ટીવી-ચૅનલ પર શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં લ્યારીવાસીઓ ‘ધુરંધર’ની કરોડો રૂપિયાની કમાણી વિશે કહે છે કે જે શહેર પર આ ફિલ્મ બની છે એના રસ્તા સુધારવા માટે થોડા કરોડ રૂપિયા આપવા જોઈએ. એક વ્યક્તિએ તો બિન્દાસ કહી દીધું કે કમાણીમાંથી ૭૦-૮૦ ટકા તો લ્યારીવાસીઓને જ મળવા જોઈએ. આખરે ઇન્કમ આવી ક્યાંથી? લ્યારીના નામથી અને અહીંની હાલતનો ઉપયોગ કરીને કમાણી કરી છે તો થોડા રૂપિયા ડોનેટ કરવા જોઈએ. બીજો એક માણસ તો કહેતો દેખાય છે કે ઇન્ડિયાવાળા પૈસા આપશે તો જ અહીંના રસ્તા બનશે, બાકી કોઈ ઉમ્મીદ નથી.