૪ કરોડના મકાન પર આવ્યું ૨૨.૧૭ કરોડ રૂપિયાના પ્રૉપર્ટી-ટૅક્સનું બિલ

07 August, 2026 01:35 PM IST  |  Saharanpur | Gujarati Mid-day Correspondent

સહારનપુરના એક પરિવારને સિસ્ટમની ભૂલને કારણે 22.17 કરોડ રૂપિયાનું હાઉસ-ટૅક્સ બિલ મળતાં ચકચાર મચી. નગરપાલિકાએ ભૂલ સ્વીકારી સુધારવાની ખાતરી આપી.

૪ કરોડના મકાન પર આવ્યું ૨૨.૧૭ કરોડ રૂપિયાના પ્રૉપર્ટી-ટૅક્સનું બિલ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં નગરપાલિકાએ એક મકાનમાલિકને ૨૨.૧૭ કરોડ રૂપિયાનું હાઉસ-ટૅક્સ બિલ મોકલ્યું હતું. સહારનપુરના વૉર્ડ-નંબર ટૂમાં આવેલા આ ઘરની કિંમત એનાથી છઠ્ઠા ભાગનીયે નથી. ફરહાદ આલમ અને તેના પિતા ઇશ્તિયાક અહમદ આ નવા ઘરમાં હજી એક વર્ષ પહેલાં જ શિફ્ટ થયા છે અને તેમનું કહેવું છે કે મકાનની કિંમત લગભગ ૪ કરોડ રૂપિયા જેટલી છે અને તેમને એના માટે ૨૨.૧૭ કરોડનો પ્રૉપર્ટી-ટૅક્સ ભરવાનું બિલ મળ્યું હતું. એટલું જ નહીં, આ નોટિસમાં ૨.૧૭ કરોડ રૂપિયાનો વૉટર-ટૅક્સ પણ સમાવિષ્ટ હતો.  નગરપાલિકા તરફથી મળેલી આટલી મોટી રકમની નોટિસથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. જોકે નગરપાલિકાના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે સિસ્ટમની ભૂલને કારણે આવું થયું છે અને એને સુધારી લેવામાં આવશે. એમ છતાં પીડિત પરિવાર આ વાતને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે તેમનો પરિવાર સમાજવાદી પાર્ટીનો સમર્થક છે એટલે તેમને જાણીજોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. 

uttar pradesh property tax news offbeat news hatke news