ખરાબ હૅર કટિંગ કરવા બદલ સૅલોંને બે કરોડ રૂપિયાનો દંડ

26 September, 2021 01:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વાળ વધુ પડતા કપાઈ જવાથી તેની મૉડલિંગની કારકિર્દી પર અસર પડી હતી એને ધ્યાનમાં રાખીને કોર્ટે સૅલોને આદેશનાં આઠ અઠવાડિયાં એટલે કે બે મહિનાના સમયગાળામાં બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ખરાબ હૅર કટિંગ કરવા બદલ સૅલોંને બે કરોડ રૂપિયાનો દંડ

નવી દિલ્હીની ટોચની એક હોટેલની સૅલોંમાં વાળ કપાવવા ગયેલીમૉડલ આશના રૉયે સૅલોંના સ્ટાફને તેના વાળ નીચેથી ૪ ઇંચ (લગભગ ૧૦ સેન્ટિમીટર) જેટલા ઓછા કરવાનું કહ્યું હતું. જોકે સસૅલોંના સ્ટાફે ૪ ઇંચ છોડીને બાકીના બધા વાળ કાપી નાખતાં મૉડલે સૅલોંના સ્ટાફની આ બેદરકારી બદલ તેની સામે કન્ઝ્‍યુમર કોર્ટમાં ફરિયાદ કરતાં કહ્યું હતું કે આ બેદરકારીને લીધે મારે સખત માનસિક તાણમાંથી પસાર થવું પડ્યું છે. આ ઘટના ૨૦૧૮ની છે.
પોતે વાળની પ્રોડક્ટનું મૉડલિંગ કરતી હોવાથી તેના હાથમાંથી કામ પણ જતું રહ્યું હતું. કોર્ટે તેની દલીલને માન્ય રાખતાં કહ્યું હતું કે વાળની પ્રોડક્ટનું મૉડલિંગ કરી રહી હોવાથી તે પોતાના વાળની સંભાળ પાછળ મોટી રકમ ખર્ચતી હતી. હવે વાળ વધુ પડતા કપાઈ જવાથી તેની મૉડલિંગની કારકિર્દી પર અસર પડી હતી એને ધ્યાનમાં રાખીને કોર્ટે સૅલોને આદેશનાં આઠ અઠવાડિયાં એટલે કે બે મહિનાના સમયગાળામાં બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

offbeat news new delhi national news