04 December, 2025 11:05 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
સર્વજ્ઞ સિંહ કુશવાહા
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં રહેતા સર્વજ્ઞ સિંહ કુશવાહાએ સૌથી નાના આંતરરાષ્ટ્રીય ચેસ-ખેલાડીનો ખિતાબ હાંસલ કર્યો છે. તેની ઉંમર અત્યારે માત્ર ૩ વર્ષ ૭ મહિના ૨૦ દિવસની છે.
સોમવારે જ જાહેર થયું હતું કે ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશનના રેટિંગમાં સ્થાન ધરાવતો સૌથી નાનો ખેલાડી સર્વજ્ઞ સિંહ બન્યો છે. આ પહેલાં આ ખિતાબ પશ્ચિમ બંગાળના અનીશ સરકાર નામના બાળકના નામે હતો. તેણે ૩ વર્ષ ૮ મહિનાની ઉંમરે ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશનમાં સ્થાન મેળવ્યું હતું.
સાગરે જસ્ટ અઢી વર્ષની ઉંમરથી ચેસ રમવાની શરૂઆત કરી દીધી હતી અને તે ઑનલાઇન રેટિંગ નોંધાવવા લાગ્યો હતો. એ પછીથી તેણે સ્વદેશ ચેસ ઍકૅડેમી અને ઑલિમ્પિયાડ સ્પોર્ટ્સમાં પણ નિયમિત ભાગ લીધો હતો. તેની મમ્મી નેહા સિંહનું કહેવું છે કે ‘દીકરાને મોબાઇલનું વળગણ ન લાગે એ માટે મારે તેને કોઈક સ્પોર્ટ્સમાં નાખવો હતો. તેને મેં તાએ ક્વાન ડો ચાઇનીઝ માર્શલ આર્ટ શીખવાના ક્લાસમાં મૂક્યો હતો. જોકે સર્વજ્ઞને એ ક્લાસની સામે આવેલી ચેસ ઍકૅડેમીનું આકર્ષણ થતું હતું. એક વાર ત્યાંના કોચે તેને બોર્ડ પર બોલાવીને પૂછ્યું કે તારે રમવું છે? તેણે હા પાડી અને મને થયું કે ચાલો એ શીખવીએ. થોડા જ દિવસમાં ચેસની સ્ટ્રૅટેજી બહુ સારી રીતે તેને સમજાવા લાગી અને તેણે ચેસની મૅચમાં ભાગ લઈને અસંભવ લાગે એવી ગેમ બતાવી. હવે સર્વજ્ઞનું આગામી લક્ષ્ય ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં ભારત માટે રમવાનું છે.’