02 May, 2026 02:54 PM IST | Jhansi | Gujarati Mid-day Correspondent
ભત્રીજાએ શાદીમાં આમંત્રણ ન આપ્યું તો કાકાએ તેના ઘરના દરવાજાને વેલ્ડિંગ કરીને સજ્જડ બંધ કરી દીધો
ઉત્તર પ્રદેશના જાલૌનમાં મોહમ્મદ માજિદ નામના યુવકના નિકાહ તમામ રસમોરિવાજ સાથે થયા હતા. જોકે પારિવારિક ઝઘડાને કારણે નિકાહમાં તેના ચાચા મોહમ્મદ અઝહરને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું. ચાચા અઝહરને ટેવ હતી કે માજિદ માટે જેટલાં પણ માગાં આવતાં તેમને તેઓ ભગાડી દેતાં. છોકરીવાળાને ચાચા કહેતા કે છોકરાની સોબત બહુ સારી નથી. દરેક વખતે કન્યાપક્ષના લોકોની કાનભંભેરણી કરીને નિકાહ થવામાં રોડાં નાખતાં ચાચાને આ વખતે પરિવારે કોરાણે મૂકવાનું નક્કી કર્યું. તેને કાનોકાન ખબર પણ ન પડે એ રીતે માજિદના નિકાહ ઝાંસીમાં રહેતી યુવતી સાથે નક્કી કરી લીધા અને આખો પરિવાર નિકાહ માટે ઝાંસી જતો રહ્યો. આખા પરિવારને ગાયબ થયેલો જોઈને અઝહર ચાચાએ તપાસ કરાવી તો ખબર પડી કે માજિદના નિકાહ માટે પરિવાર ગયો છે. તેમણે પોતાને આમંત્રણ ન મળ્યું એ વાતે નારાજ થઈને પહેલાં તો ફોન પર માજિદના પરિવારજનો સાથે ઝઘડો કર્યો. એ પછી પણ તેમનું મન ન ધરાયું તો તેમણે રાતોરાત વેલ્ડરને બોલાવીને તેમના ઘરના દરવાજાને વેલ્ડિંગ કરીને સીલ કરાવી દીધો. માજિદનો પરિવાર જ્યારે નવીનવેલી દુલ્હનને લઈને ઘરે આવ્યો ત્યારે ઘરમાં પ્રવેશ જ ન થઈ શકે એવી સ્થિતિ જોતાં વાત જબરી વણસી. વાત પોલીસ સુધી પહોંચી. પોલીસની હાજરીમાં દરવાજાનું વેલ્ડિંગ કાપવામાં આવ્યું અને પછી દુલ્હનનો ગૃહપ્રવેશ શક્ય બન્યો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે અઝહાર ચાચા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.