સોલર કિડ્સ : રાત પડતાં જ નિર્જીવ થઈ જાય છે આ બે ભાઈઓ

27 April, 2026 02:47 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

બાળકોના પિતા મોહમ્મદ હાશિમનું માનવું છે કે તેમના દીકરાઓને સૂરજમાંથી જ ઊર્જા મળે છે

૯ વર્ષનો અબ્દુલ રશીદ અને ૧૩ વર્ષનો શોએબ અહમદ દિવસ દરમ્યાન એકદમ સામાન્ય બાળકોની જેમ રમે છે

પાકિસ્તાનના બે ભાઈઓનો કેસ ડૉક્ટરો માટે પણ કોયડો બની ગયો છે. ૯ વર્ષનો અબ્દુલ રશીદ અને ૧૩ વર્ષનો શોએબ અહમદ દિવસ દરમ્યાન એકદમ સામાન્ય બાળકોની જેમ રમે છે, દોડે છે અને વાતો કરે છે; પણ જેવો સૂરજ આથમે છે કે બન્ને ભાઈઓનું શરીર ઠંડું પડી જાય છે. તેઓ હલનચલન કરી શકતા નથી, બોલી શકતા નથી કે આંખો પણ ખોલી શકતા નથી. જાણે રાત્રે તેમનું શરીર મૃત જેવું નિર્જીવ બની જાય છે.

સવાર પડતાં જ સૂરજના પહેલા કિરણ સાથે બન્ને ફરી સામાન્ય થઈ જાય છે અને દિવસભર એકદમ સ્વસ્થ રહે છે. આ વિચિત્ર બીમારીને કારણે લોકો તેમને ‘સોલર કિડ્સ’ કહે છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના પ્રોફેસર જાવેદ અકરમે કહ્યું હતું કે આ કેસ તેમના માટે પણ પડકાર છે. ડૉક્ટરો બન્ને ભાઈઓના લોહીના નમૂના વિદેશ મોકલીને તપાસ કરાવી રહ્યા છે અને તેમના ગામની માટી-હવાના નમૂના પણ લીધા છે.

બાળકોના પિતા મોહમ્મદ હાશિમનું માનવું છે કે તેમના દીકરાઓને સૂરજમાંથી જ ઊર્જા મળે છે. ગરીબ પરિવારમાંથી આવતા આ ભાઈઓની સારવાર સરકાર મફતમાં કરાવી રહી છે. હાશિમ અને તેમની પત્ની સગા પિતરાઈ છે. તેમનાં ૬ બાળકોમાંથી બેનું નાની ઉંમરમાં મૃત્યુ થયું હતું, જ્યારે બીજાં બે બાળકોને આવી કોઈ તકલીફ નથી. આ મેડિકલ રહસ્યનો ઉકેલ હજી સુધી ડૉક્ટરોને પણ મળ્યો નથી

pakistan offbeat news international news world news