15 May, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વધુ ટકા લાવવાનું દબાણ સ્ટુડન્ટ્સ પર કરવાથી તેમની માનસિક સ્વસ્થતા પર કેટલી વિપરીત અસરો પડે છે એ તો સહુ જાણે છે. એટલે જ આજકાલ સભાનતાપૂર્વક કેટલાક પેરન્ટ્સ સંતાનોના ઓછા કે વધારે માર્ક્સની તુલના કર્યા વિના જે પરિણામ છે એને સેલિબ્રેટ કરવાનું વલણ અપનાવે છે. મુંબઈમાં મોહમ્મદ ઝૈદ નામના સ્ટુડન્ટને દસમા ધોરણમાં પંચાવન ટકા આવ્યા હતા અને તેના પરિવારે પણ એકદમ નવતર જ પ્રયોગ કર્યો. સ્વાભાવિક છે કે આ કંઈ એકસ્ટ્રા-ઑર્ડિનરી માર્ક્સ નહોતા, પરંતુ પરિવાર દીકરાની આ અચીવમેન્ટ પર પણ ખુશ હતો. એની ખુશી માટે પરિવારે ખાસ માર્કશીટ થીમની કેક બનાવીને સેલિબ્રેશન કર્યું હતું. કેક પર માર્કશીટ બનાવવામાં આવી હતી. એમાં દીકરાનું નામ, માતા-પિતાનું નામ, રોલ-નંબર અને કયા વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા એનો સ્કોર પણ લખાવીને કસ્ટમાઇઝ્ડ કેક બનાવી હતી. એ કેક જોઈને ઝૈદ પણ ખૂબ ખુશ થઈ ગયો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થતાં અનેક લોકોએ પરિવારની પરિપક્વતાને બિરદાવી હતી. એક જણે તો લખ્યું હતું કે દસમામાં ૯૫ ટકા મેળવ્યા પછી પણ મારા પરિવારે મને આટલું સન્માન આપીને જલસો નહોતો કરાવ્યો.