13 January, 2026 11:34 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
માતા અને એનો હત્યારો પુત્ર
હરિયાણાના યમુનાનગરના સરપંચની પત્ની બલજિન્દર કૌરની થોડા સમય પહેલાં હત્યા થઈ હતી. બલજિન્દર કૌરની લાશ ઘરના પાણીના હોજમાંથી મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી અને એ પણ બહારની કોઈ વ્યક્તિએ નહીં, ઘરના જ ભેદીએ કરી હોવાનું જાણવા મળ્યું હતું. વધુ ઊંડી તપાસ કરતાં મહિલાના દીકરા ગોમિતે જ દોસ્તની સાથે મળીને માની હત્યા કરી હતી એવું જાણવા મળ્યું હતું. વાત એમ હતી કે મા-દીકરા વચ્ચે પહેલેથી ખૂબ ઝઘડા થતા રહેતા હતા. પોલીસના કહેવા મુજબ ગોમિત પોતાની માની રોકટોક અને આમ નહીં કરવાનું અને તેમ નહીં કરવાનું એવાં બંધનોથી ચિડાયેલો હતો. તે માને નફરત કરવા લાગ્યો હતો. તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયેલો અને માને એમાં વાંધો હતો, કેમ કે તે છોકરી તેમના સમાજની નહોતી. બન્ને વચ્ચે બહુ જ મતભેદો વધી ગયા. આખરે પિતાએ દીકરા ગોમિતને વધુ ભણવા માટે ઇંગ્લૅન્ડ મોકલી દીધો હતો. જોકે વિદેશ ગયા પછી પણ દીકરાના મનમાં મા માટેની નફરત કેમેય કરીને ઓછી થતી નહોતી. તે કોઈ પણ ભોગે માને સબક શીખવવા માગતો હતો. ૧૮ ડિસેમ્બરે તે છાનોમાનો ઇંગ્લૅન્ડથી ભારત આવ્યો હતો. તેના પાછા આવવાની ખબર તેના મિત્ર પંકજ સિવાય કોઈનેય નહોતી. ૨૪ ડિસેમ્બરે ગોમિત પોતાના ગામ પહોંચ્યો અને પશુઓને રાખવાના વાડામાં છુપાઈને યોગ્ય મોકાની રાહમાં બેઠો. મોડી રાતે તેણે પોતાની મા પર હુમલો કર્યો હતો. પહેલાં માને જખમી કરી અને પછી ગળું દબાવીને તેની હત્યા કરી દીધી. હત્યા પછી શબને પાણીના હોજમાં ફેંકી દીધું હતું.