જેલમાં રહી આવ્યા પછી ભાઈએ એ કેવી લાગી એનો ગૂગલ પર રિવ્યુ પણ લખ્યો

06 June, 2025 12:25 PM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

ત્રણેય ટાઇમ ભાત ખાવાનું થોડુંક બોરિંગ લાગ્યું. હાથકડીમાં થોડોક કાટ લાગ્યો છે, પણ કામ ચાલી જાય એમ છે. પોલીસવાળા ફ્રેન્ડ્લી છે. ઓવરઑલ એક શાનદાર અનુભવ હતો.’

જેલમાં રહી આવ્યા પછી એનો અનુભવ ગૂગલ પર રિવ્યુ

સામાન્ય રીતે કોઈ સ્થળે જમી આવો કે રહી આવો તો એ રેસ્ટોરાં કે હોટેલ તમને કેવી લાગી એનો રિવ્યુ આપવાની સુવિધા ગૂગલ પર હોય છે. જોકે કોઈ જેલમાં રહી આવ્યા પછી એનો અનુભવ ગૂગલ પર રિવ્યુ તરીકે લખે એવું બને? ઍટ લીસ્ટ શ્રીલંકામાં એક ભાઈસાહેબે આવું કર્યું છે. વિજેસેકરા પથુરજન નામના ભાઈએ ગૂગલ પર શ્રીલંકાના એક પોલીસ-સ્ટેશનની જેલમાં રહી આવ્યા પછી એનો અનુભવ ગૂગલ પર લખ્યો છે. તેમણે લખ્યું છે, ‘સાથે ઓળખપત્ર ન રાખવાને કારણે મારી ધરપકડ થઈ હતી. મારી સાથે બહુ સારો વ્યવહાર કરવામાં આવ્યો. એની સેલ સાફ અને વિશાળ છે. ખાવાનું ઠીકઠાક છે, પણ ત્રણેય ટાઇમ ભાત ખાવાનું થોડુંક બોરિંગ લાગ્યું. હાથકડીમાં થોડોક કાટ લાગ્યો છે, પણ કામ ચાલી જાય એમ છે. પોલીસવાળા ફ્રેન્ડ્લી છે. ઓવરઑલ એક શાનદાર અનુભવ હતો.’

આ રિવ્યુ વાંચીને નેટિઝન્સ હસી-હસીને લોટપોટ થઈ ગયા છે. આવો મજેદાર રિવ્યુ જે પોલીસ-સ્ટેશનનો છે એ ક્યાં છે અને બીજા લોકો એનો શું રિવ્યુ લખે છે એ બધા વાંચી રહ્યા છે. કોઈકે કમેન્ટ કરી છે કે ‘આ અસલી રિવ્યુ છે? તો હું પણ આ જેલનો અનુભવ લેવા માગું છું.’

sri lanka google international news news world news offbeat news review viral videos social media