11 June, 2026 02:37 PM IST | Beed | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક જમાઈના સ્વાગત માટે પરિવારે અધિક માસની પરંપરાગત મીઠાઈઓ બનાવી હતી. એ મીઠાઈની અંદર જમાઈને સરપ્રાઇઝ આપવા માટે પાંચ ગ્રામ સોનાની વીંટી છુપાડી દેવામાં આવી હતી. જોકે કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે મીઠાઈ જમાઈ પાસે પહોંચે એ પહેલાં એ ઘરમાં ઘૂસેલી રખડુ બિલાડીના હાથમાં આવી ગઈ. એ બિલ્લી વીંટીવાળો લાડુ આખો ચટ કરી ગઈ. વીંટીવાળી મીઠાઈ જમાઈના ભાણામાં જાય એની જસ્ટ પહેલાં જ બિલાડીએ એ ટુકડો ઝપટી લીધો અને ગળી ગઈ. તરત જ પરિવારજનોને સમજાઈ ગયું કે હવે તો પેલી વીંટી આ બિલાડીના પેટમાંથી જ પાછી મેળવવી પડશે. તેમણે મહામહેનતે બિલાડીને પકડીને ઘરમાં જ બાંધી દીધી. ખૂબ ખાવા-પીવા આપ્યું જેથી મળવિસર્જનમાં વીંટી તેમને પાછી મળી જાય, પરંતુ ઘણા દિવસો પછી પણ એમાં સફળતા ન મળી, ઊલટાનું બિલાડીની તબિયત બગડી રહી હતી એટલે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. ડૉક્ટરોએ બિલાડીની સારવાર કરવાની કોશિશ કરી પણ એ જીવી ન શકી. આખરે મરેલી બિલાડીના પેટમાંથી વીંટી કાઢવા માટે તેના પેટની ચીરફાડ કરવામાં આવી અને સર્જરી કરીને સોનાની વીંટી પાછી મેળવવામાં આવી.