09 March, 2026 03:02 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
પૂજા કર્યા પછી પૂજાપાની સાથે બે લાખ રૂપિયા પણ ભૂલથી નદીમાં વહાવી દીધા
સુરતના પૂના રોડ પાસે એક પરિવારે પૂજા કર્યા પછી પ્રસાદ અને પૂજાપાની સાથે બે લાખ રૂપિયાની નોટોની થોકડી ભૂલથી પાણીમાં વહાવી દીધી હતી. ગનીમત એ રહી કે પરિવારને આ બાબતે ખબર પડતાં જ સ્થાનિક ફાયર-સ્ટેશનને સૂચિત કર્યું હતું. બચાવદળોની એક ટીમે સ્વિમરોની એક ટુકડીને પાણીમાં મોકલી હતી. પૂના રોડ પર નિજાનંદ સોસાયટીમાં રહેતા લિમ્બા પરિવારે થોડા દિવસ પહેલાં તેમના ઘરે ધાર્મિક અનુષ્ઠાન કરાવેલું. પૂજા પૂરી થયા પછી અનુષ્ઠાનમાં વપરાયેલો પૂજાપા અને ફૂલો તિજોરીમાં એક ખૂણે રાખ્યાં હતાં. પરિવારના સદસ્યોએ પૂજા સંપન્ન થયાના થોડા દિવસ પછી થેલીમાં રાખેલા સામાનને પૂના રોડ પાસેની નહેરમાં વિસર્જિત કરી દીધો હતો. જોકે ઘરે જઈને તિજોરી તપાસતાં ખબર પડી કે પૂજાપાની સાથે બે લાખ રૂપિયા પણ એ થેલીમાં પાણીમાં વહી ગયા છે. તરત જ ફાયર-બ્રિગેડને સંપર્ક કરતાં તરવૈયાઓની ટીમને પાણીમાં ઉતારવામાં આવી હતી. પાણીનું વહેણ ખૂબ જોરદાર હોવાથી તરવૈયાઓએ દૂર સુધી તપાસ કરવી પડી હતી. રૂપિયાની થોકડી પ્લાસ્ટિકની થેલીમાં હતી એટલે થોડા જ કલાકોની શોધમાં પ૦૦ રૂપિયાની ૪ થોકડીઓ સહીસલામત મળી ગઈ હતી. ફાયર-બ્રિગેડના માર્શલોએ એ રકમ લિમ્બા પરિવારને પાછી આપી દીધી હતી. જોકે આ સર્ચ-ઑપરેશન દરમ્યાન પાણીમાં નાખેલા કાચને કારણે બે તરવૈયાઓ ઘાયલ થયા હતા.