સ્વીડનમાં વૈજ્ઞાનિકોએ કરી કમાલ, માનવમૂત્રમાંથી બનાવશે બિઅર, ૨૦૨૭માં બજારમાં વેચવા મુકાશે

20 May, 2025 01:14 PM IST  |  Stockholm | Gujarati Mid-day Correspondent

મોટા પાયે આ રીતે બિઅરનું ઉત્પાદન કરવાની દિશામાં પણ વૈજ્ઞાનિકો વિચારી રહ્યા છે. આ બિઅર ઇકો-ફ્રેન્ડ્લી બની રહેશે.

પ્રતીકાત્મક તસવીર

સ્વીડનમાં યુનિવર્સિટી ઑફ ઍગ્રિકલ્ચરલ સાયન્સિસે એક એવો પ્રયોગ કર્યો છે જેમાં માનવમૂત્રમાંથી બિઅર બનાવવામાં આવશે. આ બિઅર ૨૦૨૭માં માર્કેટમાં વેચવા મુકાશે. એકસાથે ઘણોબધો પેશાબ જમા કરવા માટે વૈજ્ઞાનિકોએ ૩૦ એપ્રિલ અને પહેલી મે વચ્ચે સ્વીડિશ લોકો જે વાલપુર્ગિસ નાઇટ ઉત્સવ મનાવે છે એ પસંદ કર્યો હતો. આ ઉત્સવમાં ૨૦,૦૦૦ લોકો એકઠા થયા હતા અને તેમનો પેશાબ હરતાં-ફરતાં શૌચાલયો દ્વારા જમા કરવામાં આવ્યો હતો. આ પેશાબમાંથી ૯૫ ટકા પાણીનો હિસ્સો દૂર કરવામાં આવ્યો હતો અને બાકી રહેલા કૉન્સન્ટ્રેટમાંથી ખાતર બનાવવામાં આવ્યું હતું. આ ખાતરને ૧.૫ હેક્ટર જમીન પર પાથરી દઈને એના પર જવની ખેતી કરવામાં આવી હતી, જેમાંથી મૉલ્ટિંગ પ્રક્રિયા દ્વારા બિઅર બનાવવામાં આવે છે. ગયા વર્ષે જે પેશાબ જમા કરવામાં આવ્યો હતો એમાંથી ત્રણ ફુટબૉલ મેદાન જેટલી જમીનમાં ખેતી કરવામાં આવી હતી. એમાંથી ઉત્પન્ન થયેલા જવમાંથી બિઅર બનાવવામાં આવશે અને એ ૨૦૨૭માં વેચવા મૂકવામાં આવશે. મોટા પાયે આ રીતે બિઅરનું ઉત્પાદન કરવાની દિશામાં પણ વૈજ્ઞાનિકો વિચારી રહ્યા છે. આ બિઅર ઇકો-ફ્રેન્ડ્લી બની રહેશે.

sweden international news news world news social media food and drink offbeat news