૪૭૩ કરોડ રૂપિયામાં ૬.૭ કરોડ વર્ષ જૂનું ડાયનોસૉરનું હાડપિંજર વેચાયું

16 July, 2026 03:24 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

અમેરિકાના સોધબી ઑક્શન હાઉસમાં ૬.૭ કરોડ વર્ષ જૂના ટી-રેક્સ ડાયનોસૉરની હરાજી થઈ. આ દુર્લભ ચીજને ખરીદવા માટે દુનિયાભરના અબજપતિઓમાં એવી હોડ જામી કે ૧૦ મિનિટની હરાજીમાં એક ધનિકે ૫૦.૧ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૪૮૩ કરોડ રૂપિયામાં એ ખરીદી લીધું.

૪૭૩ કરોડ રૂપિયામાં ૬.૭ કરોડ વર્ષ જૂનું ડાયનોસૉરનું હાડપિંજર વેચાયું

અમેરિકાના સોધબી ઑક્શન હાઉસમાં ૬.૭ કરોડ વર્ષ જૂના ટી-રેક્સ ડાયનોસૉરની હરાજી થઈ. એ ડાયનોસૉરને ગસ નામ આપવામાં આવેલું. જ્યારે એ વેચાવા મુકાયું ત્યારે ૩૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૯૯ કરોડ રૂપિયા ઊપજે એવી સંભાવના હતી. જોકે આ દુર્લભ ચીજને ખરીદવા માટે દુનિયાભરના અબજપતિઓમાં એવી હોડ જામી કે ૧૦ મિનિટની હરાજીમાં એક ધનિકે ૫૦.૧ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૪૮૩ કરોડ રૂપિયામાં એ ખરીદી લીધું. આ ખરીદદારે પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે અને હવે આ હાડપિંજર તેના પ્રાઇવેટ કલેક્શનનો હિસ્સો બની જશે. આટલી કિંમતમાં લગભગ ૧૦૦ ફરારી કાર આવી જાય. 
આ હાડપિંજર દુનિયાના સૌથી ખતરનાક માંસાહારી ડાયનોસૉર પ્રજાતિનું છે. અમેરિકાના સાઉથ ડકોટાના એક ખેતરમાંથી થોડાં વર્ષો પહેલાં એ મળી આવ્યું હતું. આ ઢાંચામાં ૧૮૩ હાડકાં અસલી બચ્યાં છે જે બહુ મોટી વાત છે. ગુમ થઈ ગયેલાં હાડકાંની જગ્યાએ નકલી હાડકાં બનાવીને એનું એક અક્ષત હાડપિંજર ઊભું કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી ઑફ મૅરીલૅન્ડના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉત્ક્રાંતિના અભ્યાસ માટે આ બહુ મહત્ત્વનો ઢાંચો છે. 
આટલી મોટી રકમમાં હાડપિંજર વેચાયું એ ભલે ઑક્શન હાઉસ માટે મોટી કામિયાબી હશે, પરંતુ વિજ્ઞાનની દુનિયા માટે આ ખરાબ સમાચાર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે આવા દુર્લભ અવશેષો પબ્લિક મ્યુઝિયમને બદલે અબજોપતિઓના પ્રાઇવેટ ડ્રૉઇંગરૂમની શોભા બની જાય છે ત્યારે ભવિષ્યમાં એના પર થનારાં સંશોધનો કાયમ માટે બંધ થઈ જાય છે. 

 

united states of america world news international news offbeat news news