29 October, 2026 06:43 PM IST | Agra | Gujarati Mid-day Correspondent
તાજ હોટેલે એ મહેમાનને જ બ્લૅકલિસ્ટ કરી દીધા
આગરાની ફાઇવ-સ્ટાર હોટેલ તાજમાં એક વેઇટર સાથે મહેમાને દુર્વ્યવહાર કર્યો તો હોટેલ-મૅનેજમેન્ટે તે ગેસ્ટને બ્લૅકલિસ્ટ કરી દીધો હતો. વાત એમ હતી કે વેઇટરને સારું અંગ્રેજી નહોતું આવડતું એને કારણે ગેસ્ટ સાથેના કમ્યુનિકેશનમાં કંઈક ગલતફહેમી થઈ. એને કારણે મહેમાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે વેઇટરને થપ્પડ જડી દીધી. સામાન્ય રીતે આવા સંજોગોમાં મહેમાન અને કસ્ટમરને જ ભગવાન માનીને સ્ટાફને જ અન્યાય થતો હોય એવું બને છે, પરંતુ તાજ હોટેલના મૅનેજમેન્ટે પોતાના વેઇટર સાથે થયેલા ગેરવર્તન માટે તેનું અપમાન કરનારા ગેસ્ટને જ બ્લૅકલિસ્ટ કરી દીધા. મૅનેજર પરિતોષ લધાણીએ પોતાના લિન્ક્ડઇન અકાઉન્ટ પર આ ઘટના શૅર કરીને લખ્યું હતું, ‘કોઈને પણ મારી ટીમના સભ્યોનું અપમાન કરવાનો હક નથી, મારપીટ કરવાની વાત તો બહુ દૂરની છે. મેં તાજની પ્રૉપર્ટી પર આ ગેસ્ટને હંમેશ માટે બ્લૅકલિસ્ટ કરી દીધા છે. અમારા વેઇટરનું નામ કાંતિ છે અને તેને અંગ્રેજી ઓછું આવડતું હોવાથી મહેમાન સાથે કંઈક મિસકમ્યુનિકેશન થયું હતું. બદલામાં મહેમાને તેને લાફો મારી દીધો. કાંતિએ આ ઘટના બાબતે મને કોઈ ફરિયાદ પણ નથી કરી. જરા વિચારો કે તેના માટે નોકરી કેટલી મહત્ત્વની હતી કે તે અપમાન પણ ગળી ગયો. જોકે મને આ વિશે ખબર પડી ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો. એક ટીમ-લીડર તરીકે મારી ટીમના સભ્યનું અપમાન કરવાનો કોઈને હક નથી. મને કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા અમીર છો કે અમારી હોટેલમાં કેટલા રૂપિયા ખર્ચો છો.’