12 December, 2025 01:07 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
પેચિમ્મલ, મુત્થુ માસ્ટર
તામિલનાડુના થુથુકડી જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતી પેચિમ્મલ નામની મહિલાનાં લગ્નને હજી માત્ર ૧૫ જ દિવસ થયાં હતાં અને તેના પતિનું હાર્ટ-અટૅકથી મૃત્યુ થઈ ગયું. પેચિમ્મલ એ સમયે જસ્ટ ૨૦ વર્ષની હતી અને ગર્ભવતી હતી. તેણે શન્મુગસુંદરી નામની એક દીકરીને જન્મ આપ્યો. દીકરીના પાલનપોષણ માટે તેણે મજૂરીકામ કરવાનું શરૂ કર્યું. જોકે મહિલા હોવાથી લોકોએ તેને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. એકલી મહિલા દીકરી સાથે રહેતી હોય અને કામ કરવા જતી તો મહિલાઓ તેને ટોણા મારતી અને પુરુષપ્રધાન કામો કરવા જતી તો મહિલા હોવાને કારણે કામ નહોતું મળતું. આખરે તેણે ગામ બદલી નાખ્યું અને પોતાની ઓળખ પણ બદલી નાખી. પેચિમ્મલમાંથી તે મુત્થુ બની ગઈ. તેણે સાડી-બ્લાઉઝ છોડીને લુંગી અને શર્ટ પહેરવાનું શરૂ કરી દીધું. જે કામ સ્ત્રીઓ ન કરી શકે એવું મનાતું એ બધાં જ કામો તેણે કર્યાં. પુરુષોની જોડે વેઇટરનું કામ પણ કર્યું અને મજૂરીમાં રંગરોગાનનું કામ પણ કર્યું. દરેક કામ તે લગનથી કરતી અને લોકો તેને મુત્થુ માસ્ટર કહીને બોલાવવા લાગ્યા. કોઈને ખબર ન પડે કે તે પુરુષ નહીં સ્ત્રી છે. એ માટે તે ટૉઇલેટ પણ પુરુષોનાં જ વાપરતી હતી. નારિયેળની દુકાન પર ભારે વજન ઉઠાવવાનું કામ હોય કે પેઇન્ટરનું, તે દરેક કામ કરતી. કાળી મજૂરી કર્યા પછી બસમાં સફર કરતી વખતે તે જગ્યા ન હોય તો ઊભા રહેવાનું પસંદ કરતી, પણ કદી મહિલાઓ માટે આરક્ષિત સીટ પર બેસતી નહીં. આ વાતને ૩૦ વર્ષ થઈ ગયાં છે. દીકરી પરણીને સાસરે જતી રહી છે, પરંતુ હજીયે તેણે મુત્થુ માસ્ટરની ઇમેજને જાળવી રાખી છે. તેના ગામમાં ગણ્યા-ગાંઠ્યા લોકો સિવાય કોઈનેય ખબર નથી કે મુત્થુ માસ્ટર પુરુષ નહીં સ્ત્રી છે.