31 August, 2026 12:44 PM IST | Tiruvannamalai | Gujarati Mid-day Correspondent
૧૬ વર્ષના છોકરાના પેટમાંથી નીકળ્યા ૨૩ સિક્કા, નેઇલ કટર, ચેઇન અને નટ-બોલ્ટ
તામિલનાડુના તિરુવન્નામલાઈની એક ખાનગી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ એક ટીનેજરના પેટમાંથી જાતજાતની ચીજો કાઢી છે. અય્યમપાલયમ ગામના પૃથિક રોશન નામના ૧૬ વર્ષના માનસિક રીતે અક્ષમ ટીનેજરના પેટમાં અસહ્ય દુખાવો અને ઊલટીઓ થતાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્કૅનનો રિપોર્ટ જોતાં જ ડૉક્ટરોના હોશ ઊડી ગયા હતા, કારણ કે કિશોરના પેટમાં ધાતુની અનેક અણીદાર વસ્તુઓ જમા થયેલી દેખાઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતા જોઈને ડૉક્ટરોની ટીમે ઇમર્જન્સી ઑપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. સર્જરી દરમ્યાન ડૉક્ટરોએ કિશોરના પેટમાંથી ૧૦-૧૦ રૂપિયાના ૨૩ સિક્કા, નેઇલ કટર, ચેઇન, તાવીજ, નટ-બોલ્ટ અને અન્ય કેટલીક ધાતુની વસ્તુઓ સફળતાપૂર્વક બહાર કાઢી હતી. ટીનેજરની મમ્મીનું કહેવું હતું કે ઘરમાંથી અવારનવાર નેઇલ કટર અને ચેઇન જેવી વસ્તુઓ ગાયબ થઈ જતી હતી, પણ તેમને અંદાજ નહોતો કે તેમનો પુત્ર આ વસ્તુઓ ગળી જતો હતો.