10 January, 2026 02:06 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
ડિલિવરી બૉયે પછી આ મહિલાના ઘર નીચે વિડિયો બનાવીને આ ઘટના શૅર કરી હતી
તામિલનાડુમાં મોડી રાતે એક મહિલાએ ઉંદર મારવાની દવાનાં ૩ પૅકેટ ઑર્ડર કર્યાં હતાં. બ્લિન્કિટ-રાઇડર ડિલિવરી કમિટમેન્ટ મુજબ ૧૦ જ મિનિટમાં મહિલાના ઘરે પહોંચી પણ ગયો. જોકે એ વખતે મહિલાને રડતી જોઈને ડિલિવરી બૉયે પાર્સલ આપવાની ના પાડી દીધી. ડિલિવરી બૉયે પછી આ મહિલાના ઘર નીચે વિડિયો બનાવીને આ ઘટના શૅર કરી હતી. તે વિડિયોમાં કહેતો દેખાયો હતો કે ‘મેં એક મહિલાને આ ૩ પૅકેટ ડિલિવર કરવાની ના પાડી દીધી હતી. મને ડર છે કે આનો ઉપયોગ પેસ્ટ કન્ટ્રોલને બદલે ખુદને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે.’
મહિલાએ લગભગ અડધી રાતે આ ઑર્ડર આપ્યો હતો. આટલી મોડી રાતે આવો ઑર્ડર આમેય થોડોક વિચિત્ર લાગી રહ્યો હતો. જોકે એ પણ ઑર્ડર છે એમ સમજીને સામાન લઈને તે નીકળી ગયો હતો. ડિલિવરી બૉયે કહ્યું હતું કે ‘જ્યારે હું કસ્ટમરના ઘરે પહોંચ્યો ત્યારે તરત લાગ્યું કે કંઈક ઠીક નથી. મને નહોતી ખબર કે આ ઑર્ડર આપતી વખતે મહિલા શું વિચારતી હતી, પરંતુ તેને રડતી જોઈને મને લાગ્યું કે કંઈક તો તકલીફ છે એટલે જ તેણે ઑર્ડર કર્યો હશે. મેં તેને કહ્યું કે તમને કંઈ પણ પ્રૉબ્લેમ હોય, સુસાઇડ ન કરશો; શું તમે એટલા માટે આ ઑર્ડર કર્યો હતો કેમ કે તમે મરવા માગતાં હતાં? તેણે જવાબ આપ્યો હતો કે ના ભાઈ, એવું નથી. મેં કહ્યું કે જૂઠું ન બોલો, જો ઘરમાં ઉંદરોની જ તકલીફ હતી તો થોડો વહેલો અથવા તો કાલે સવારે પણ ઑર્ડર કરી શકાત. મેં તેમનો ઑર્ડર કૅન્સલ કરીને પૅકેટ્સ ડિલિવર ન કર્યાં. મને લાગે છે કે મેં કોઈકનો જીવ બચાવ્યો છે.’
સામાન ડિલિવર કરનારા એક યુવાનની સંવેદનશીલતા અને સમયસૂચકતાએ કદાચ એક જીવ બચાવ્યો હશે. આ માટે સોશ્યલ મીડિયા પર આ ભાઈનાં જબરાં વખાણ થઈ રહ્યાં છે.