21 December, 2025 11:56 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તામિલનાડુમાં એક બુઝુર્ગ વ્યક્તિનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું. લોકોને એ ઘટના સામાન્ય લાગી, પરંતુ જ્યારે એની પાછળની હકીકત બહાર આવી ત્યારે ભલભલાને કમકમાં આવી ગયાં હતાં. પોલીસે આ મૃત્યુની તપાસ કરીને કહ્યું હતું કે ૫૬ વર્ષના ગણેશન નામના વયસ્કનું સાપના ઝેરથી મૃત્યુ થયું હતું, પરંતુ એને સાપ કરડ્યો નહોતો, ખાસ સાપ કરડાવવામાં આવ્યો હતો. તેમના જ ઘરમાં તેમનું શબ મળ્યું ત્યારે પરિવારજનોએ દાવો કર્યો હતો કે સર્પદંશથી તેમનું મૃત્યુ થયું છે. સર્પદંશની દુર્ઘટના સમજીને કેસ દાખલ કરવામાં આવ્યો. એ પછી થોડા સમય બાદ દીકરાઓએ જ્યારે તેમના વીમાની રકમ માટે અરજી કરી ત્યારે કંપનીને દાળમાં કંઈક કાળું લાગ્યું. પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ કરી. પિતાનું મૃત્યુ અને ત્રણ કરોડ રૂપિયાનો વીમો એ બે ઘટનાઓને સાંકળીને પોલીસે કડક પૂછપૂરછ કરતાં ખબર પડી હતી કે બે દીકરાઓએ બાપને મારવા માટે સાપ કરડાવ્યો હતો. પહેલાં કોબ્રા સાપ લાવીને કરડાવ્યો, પણ એનાથી પિતાનું મૃત્યુ ન થયું એટલે તેમણે ક્રેટ સ્નેક લાવીને ગરદન પર કરડાવ્યો. આ વ્યવસ્થા કરવામાં બે દીકરા સહિત કુલ ચાર લોકો સંકળાયેલા હતા.