૩૦ દિવસના જામીન પર છૂટેલો આજીવન કારાવાસનો કેદી ૪૦ વર્ષ સુધી પાછો ન આવ્યો અને બની ગયો સરકારી ટીચર

28 August, 2026 02:44 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

તેલંગણમાં હત્યાના કેસમાં આજીવન કેદની સજા પામેલો કેદી ૧૯૮૩માં જામીન પર બહાર આવ્યા બાદ જેલમાં પાછો ફર્યો જ નહીં. ૪૦ વર્ષ સુધી બહાર રહી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી અને ૨૦૨૪માં ફરી પકડાયો.

પ્રતીકાત્મક તસવીર

તેલંગણ હાઈ કોર્ટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી સ્થાનિક જેલોના મૅનેજમેન્ટ પર ગંભીર સવાલ ખડા થયા છે. હત્યા કરીને આજીવન કારાવાસની સજા પામેલો કેદી જામીન પર છૂટ્યો હતો પણ એ પાછો નથી આવ્યો એની નોંધ કે તપાસ વર્ષો સુધી થઈ જ નહીં. ૧૯૮૩ના ડિસેમ્બર મહિનામાં ૩૦ દિવસના જામીન પર જેલમાંથી બહાર નીકળ્યો હતો. એ પછી જામીન ૧૯૮૪ની ૧૭ માર્ચ સુધી લંબાવાયા હતા. જોકે એ પછી કેદીએ કદી સરેન્ડર કર્યું જ નહીં. ચાર દાયકાથી વધુ સમય તે બહાર રહ્યો અને છેક ૨૦૨૪માં તેને ફરીથી પકડવામાં આવ્યો. નવાઈની વાત એ છે કે જે ૪૦ વર્ષ કેદી બહાર રહ્યો એ દરમ્યાન તેણે સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી પણ કરી હતી. જ્યારે કેદીને ૨૦૨૪માં જેલભેગો કરવામાં આવ્યો તો એ વાતનો તેની પત્નીએ વાંધો ઉઠાવ્યો. પત્નીએ હાઈ કોર્ટમાં અરજી કરી કે જેલ પ્રશાસને કાર્યવાહી કરવામાં ૪૦ વર્ષ મોડું કર્યું છે. ઇન ફૅક્ટ, જે સમય દરમ્યાન કેદી બહાર હતો ત્યારે તેણે ખૂબ સારાં કામો કર્યાં હોવાનો હવાલો પત્નીએ આપ્યો હતો. તેણે દલીલ કરી હતી કે ૨૦૦૪ની સાલમાં તેના પતિને બેસ્ટ ટીચરનો અવૉર્ડ પણ મળ્યો હતો અને ૨૦૧૩માં રિટાયર થયા હતા. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તાજેતરમાં થયેલી સુનાવણીમાં કોર્ટે પત્નીની અરજીને ફગાવી દીધી હતી. 

telangana hyderabad news offbeat news hatke news