10 July, 2026 10:45 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
ગ્રાહકોને પણ આ વિકલ્પ ગમી ગયો છે
વિશ્વભરમાં પ્લાસ્ટિકને કારણે પેદા થતું પ્રદૂષણ નાથવા માટે લોકો જાગૃત થઈ રહ્યા છે. વનટાઇમ યુઝ થતું પ્લાસ્ટિક સમુદ્ર, નદીઓ અને જમીનને પ્રદૂષિત કરી રહ્યું હોવાથી એનો ઓછામાં ઓછો ઉપયોગ કરતા ઉપાયો અપનાવાઈ રહ્યા છે. આ જ પહેલના ભાગરૂપે થાઇલૅન્ડના એક સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક પર જ પ્રતિબંધ મુકાઈ ગયો છે. આ પ્રતિબંધને કારણે મોટા ભાગની ચીજો કાગળના રૅપરમાં બાંધવામાં આવે છે. જોકે અહીં શાકભાજી અને ફળોનું પૅકેજિંગ કરવા માટે કેળનાં પાન વાપરવામાં આવે છે. કેળના પાનની નાની બાસ્કેટ્સ બનાવીને એને વાંસની દોરીથી બાંધીને મજાનું પૅકેજિંગ કરવામાં આવે છે. સુપરમાર્કેટનો આ વિકલ્પ સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે અને કેળનાં પાન થોડાં જ અઠવાડિયાંમાં માટીમાં મળીને કમ્પોસ્ટ બની જાય છે. ગ્રાહકોને પણ આ વિકલ્પ ગમી ગયો છે, કેમ કે કેળના પૅકેજિંગને કારણે ફળો અને શાકભાજી ફ્રેશ પણ રહે છે.