28 October, 2025 01:17 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના સબલગઢ પાસે નોદંડા ગામમાં એક વિચિત્ર ઘટના ઘટી. ગામોમાં અને ખેતરોમાં સાપ નીકળે એ આમ વાત છે. ગામોમાં લોકો સાપને મારવાને બદલે હાંકી કાઢતા હોય છે. જોકે નોદંડા ગામમાં ૧૮ વર્ષની એક છોકરી ચારો કાપવા માટેના મશીનમાંથી પૂળા કાઢી રહી હતી ત્યારે સાપ કરડ્યો હતો. એમાં થયું એવું કે ખેતરમાંથી ઘાસ કાપવા માટેના મશીનમાં સાપ ફસાઈ જતાં એના ૩ ટુકડા થઈ ગયા હતા. એ પછી પણ સાપ જીવતો હતો. યુવતીને એની ખબર નહોતી અને તે પૂળા હાથેથી ઊંચકીને બીજે ઢગલો કરી રહી હતી ત્યારે કપાયેલા સાપે યુવતીને ડંખ મારી દીધો હતો. પહેલાં તો પરિવારે તાંત્રિક પાસે તેનો ઉપચાર કરાવ્યો, પણ કોઈ ફાયદો ન થતાં સબગલઢ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં યુવતીને મૃત ઘોષિત કરવામાં આવી. સાપના ટુકડા થઈ ગયા હોવા છતાં એ જીવતો રહી જાય અને દંશ મારે એ ઘટના ગામલોકો માટે પણ નવાઈ પમાડનારી હતી.