દેવતાઓને પોતાના આયુષ્યનું દાન કરવાની પરંપરા ઊજવાય છે ચીનમાં

13 January, 2026 11:44 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ત્રાજવું એ નિષ્પક્ષ દેવતાનું પ્રતીક છે જેમાં કહેવાય છે કે મારા કપાયેલા આયુષ્યને દેવતાઓ જે-તે પરિવારજનને આપશે. 

પ્રતીકાત્મક તસવીર

કહેવાય છે કે દરેક વ્યક્તિ કેટલું જીવશે એ પહેલેથી જ નક્કી હોય છે. એમ છતાં જ્યારે કોઈ નજીકનો પરિવારજન માંદો પડે કે મરણપથારી પર હોય ત્યારે એવી પ્રાર્થના કરવામાં આવે છે કે ‘કાશ, તેમને મારી ઉંમર લાગી જાય.’ ચીનમાં એવું માનવામાં આવે છે કે જો તમે ઇચ્છો તો તમારા પરિવારના કોઈ સભ્યને તમારી જિંદગીનાં કેટલાંક વર્ષો દાન કરી શકો છો. એ માટે તમારે તમારું આયુષ્ય દેવતાઓને દાન કરવું પડે. પ્રાચીન પરંપરા મુજબ મોટા ભાગે સંતાનો પોતાનાં માતા-પિતા માટે આયુષ્યદાન કરે છે. એ માટે તેમણે ખાસ તપ-વિધિ કરીને માનતા માનવાની રહે છે. ઉંમર દાનમાં આપનાર વ્યક્તિએ ૩ દિવસ સુધી ઉપવાસ કરીને શરીરની શુદ્ધિ કરવાની હોય છે. એ પછી ઘરમાં વેદી બનાવીને દેવતાઓ સામે ઘૂંટણ ટેકવીને પોતાની ઉંમર કાપવાના કસમ ખાવાના હોય છે. આ રસમમાં દાન કરેલા પ્રત્યેક એક વર્ષના બદલામાં પાંચ કિલો ચોખાનો થેલો બનાવવામાં આવે છે અને વેદી પાસે એક કાતર અને ત્રાજવું મૂકવામાં આવે છે. કાતરનો મતલબ છે કે વ્યક્તિ પોતાનું આયુષ્ય કાપવા તૈયાર છે અને ત્રાજવું એ નિષ્પક્ષ દેવતાનું પ્રતીક છે જેમાં કહેવાય છે કે મારા કપાયેલા આયુષ્યને દેવતાઓ જે-તે પરિવારજનને આપશે. 

offbeat news international news china world news culture news