22 February, 2026 02:52 PM IST | China | Gujarati Mid-day Correspondent
વાઇરલ તસવીર
સોશ્યલ મીડિયામાં લોકો સ્માર્ટ ટ્રિક્સ અને વેઇટલૉસ માટેના અજીબ નુસખાઓ અપનાવતા રહે છે. જોકે તાજેતરમાં એક એવો વિચિત્ર વેઇટલૉસ ટ્રેન્ડ શરૂ થયો છે જે વિચારવા મજબૂર કરી દે છે કે ખરેખર લોકો આટલા અણસમજુ હોય છે? દાવો કરવામાં આવે છે કે પ્લાસ્ટિકમાં કોળિયો ભરીને ચાવવાથી ખાવા જેવો જ સંતોષ મળે છે. આ ટ્રેન્ડમાં શું કરવામાં આવે છે એ જાણશો તો હજી નવાઈ લાગશે. એમાં પ્લાસ્ટિકની શીટ મોં પર મૂકવાની. મોં ખોલીને એ શીટ પર તમારા મનગમતા ખોરાકનો કોળિયો મૂકવાનો. પછી એ પ્લાસ્ટિકની સાથે જ એ કોળિયાને મોંમાં મમળાવવાનો. એ પછી પ્લાસ્ટિક સાથે જ એ કોળિયો થૂંકી નાખવાનો. એમ કરવાથી તમે ખાધું એવો સંદેશો તમારા દિમાગ સુધી પહોંચે છે અને પેટ ભરાઈ ગયું હોવાનું ફીલ થાય છે. જોકે એક પણ કૅલરી હકીકતમાં શરીરની અંદર જતી નથી.
આવા અખતરાથી ભૂખ પણ ઓછી લાગતી હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે સ્વાસ્થ્યના નિષ્ણાતોનું માનવું છે કે વૈજ્ઞાનિક રીતે આ શરીર માટે ફાયદાને બદલે નુકસાન વધુ કરે છે. એનાથી વજન ઘટતું હોય એવો ભ્રમ થાય છે, પરંતુ હકીકતમાં શરીર કુપોષિત રહી જાય છે.