મિથિલામાં નવા તળાવનાં કેળ સાથે લગ્ન કરાવવામાં આવ્યાં

20 July, 2026 03:20 PM IST  |  Mithilanchal | Gujarati Mid-day Correspondent

બિહારના મિથિલાંચલ વિસ્તારમાં અનોખી પરંપરા આજે પણ જીવંત છે. અહીં નવા ખોદાયેલા તળાવને `કુંવારું` માનવામાં આવે છે અને લગ્નવિધિ કર્યા બાદ જ તેનું પાણી પીવા, ખેતીમાં વાપરવા અથવા ધાર્મિક કાર્યોમાં ઉપયોગ માટે પવિત્ર ગણાય છે.

મિથિલાંચલ, તળાવ લગ્ન

બિહારના મિથિલાંચલ તરીકે ઓળખાતા વિસ્તારમાં એવી માન્યતા છે કે કોઈ પણ નવું તળાવ જ્યારે રચાય ત્યારે એ ‘કુંવારું’ હોય છે. જ્યાં સુધી એ તળાવનાં લગ્ન ન થાય ત્યાં સુધી એનું પાણી પીવાલાયક કે ખેતીમાં વાપરવાલાયક ગણાતું નથી. જો એમ કરવામાં આવે તો અશુભ ફળ મળે છે. કુંવારા તળાવે લગ્ન કરીને પવિત્ર થવું પડે છે અને જો પવિત્ર તળાવનું પાણી વાપરવામાં આવે તો એના થકી ગામમાં કદી દુકાળ પડતો નથી. દરભંગા, મધુબની, સહરસા વિસ્તારમાં મોટા જમીનદારો કે ગામના મુખિયાઓ નવું તળાવ ખોદાવે ત્યારે એને પરણાવવાનું કદી ભૂલતા નથી. મિથિલાંચલમાં પગ-પગ પોખર છે. પોખર એટલે તળાવ. અહીં દર અડધો-એક કિલોમીટરના અંતરે નાનાં-મોટાં જળાશયો હોય છે. તાજેતરમાં આવા જ એક ગામના જમીનદારે ખોદાવેલા તળાવના પોખરી વિવાહ થયા હતા. લગ્નવિધિમાં તળાવને દુલ્હો માનવામાં આવે છે અને એની દુલ્હન તરીકે કેળનો છોડ લેવામાં આવે છે. સામાન્ય લગ્નની જેમ લગનની કંકોતરી લખીને મંડપ બનાવીને પંડિતજી મંત્રોચ્ચાર કરે છે. તળાવની કિનારીએ સિંદૂર મૂકવામાં આવે છે અને કેળના છોડને નમાવીને એ સિંદૂર કેળ પર લગાવાય છે. છોડ અને તળાવ વચ્ચે પાણિગ્રહણ વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગ બે-ત્રણ દિવસ ચાલે છે. આખું ગામ નાચગાન કરીને મજા કરે છે. કુંવારું તળાવ પરણી જાય એ પછી જ એ તળાવનું પાણી શુદ્ધ મનાય છે અને એ પાણી પવિત્ર વિધિઓમાં, ખેતીમાં કે પીવામાં વાપરી શકાય છે. 

bihar religion culture news news offbeat news