બન્ને કિડની ફેલ થયા પછી આ ભાઈ કુકર અને અન્ય સાધનોથી કરે છે ડાયાલિસિસ

14 June, 2026 10:52 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને ચીન અને દુનિયાના ડૉક્ટરો વિચારતા થઈ ગયા છે.

હુ સૉન્ગવાન

ચીનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને ચીન અને દુનિયાના ડૉક્ટરો વિચારતા થઈ ગયા છે. ચીનના હુ સૉન્ગવાન નામના ભાઈની આ કહાણી છે. નાનજિંગ શહેરમાં રહેતો હુ ૧૯૯૩માં મોસમવિજ્ઞાની બનવા માટે કૉલેજમાં ભણી રહ્યો હતો. તેના ભણતર પાછળ પરિવારે પણ ખાસ્સો ખર્ચ કર્યો હતો, પરંતુ અચાનક જ તેને કિડનીની બીમારી આવી. કૉલેજમાં હતો ત્યારે જ તેની બન્ને કિડનીઓ એક પછી એક ફેલ થઈ ગઈ. ડાયાલિસિસ ન કરાવે તો જીવતા રહેવું મુશ્કેલ બની ગયું. ભણ્યાગણ્યા પછી કમાઈને પરિવારને ઠરીઠામ કરવાનાં સપનાં જોતો હુ બીજી મુશ્કેલીમાં ફસાયો. ઑલરેડી પરિવાર ગરીબીમાં હતો અને ભણતર પાછળ ઘણો ખર્ચ કરી ચૂક્યો હતો. એમાં પાછી આ બીમારીએ પરિવારની આર્થિક કમર ભાંગી નાખી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેની પાસે નિયમિત ડાયાલિસિસ કરાવવાના પૈસા પણ બચ્યા નહોતા. પરિવાર રોડ પર આવી ગયો હતો ત્યાં હૉસ્પિટલના ખર્ચા પોસાય એમ ન હોવાથી તેણે પોતાની વૈજ્ઞાનિક બુદ્ધિ કામે લગાવી. તેણે વિચાર્યું કે આમેય જો તે ડાયાલિસિસ નહીં કરાવે તો મોત નિશ્ચિત છે જ, પણ જો તેણે જીવવું હોય તો કોઈ જુગાડ તો કરવો જ પડશે. એ જુગાડમાં જ તેણે ઘરમાં રસોઈનાં સાધનોથી ડાયાલિસિસ જેવું મશીન તૈયાર કરી દીધું. પ્રેશર કુકર અને કેટલાંક વાસણોની સાથે મેડિકલમાં વપરાતી સોય અને નળીઓ વાપરીને તેણે ડાયાલિસિસ જેવું મશીન તૈયાર કરી દીધું. આ મશીનથી જ તેણે લોહીનું શુદ્ધીકરણ શરૂ કર્યું. શરૂઆતમાં તો તેને પણ ખબર નહોતી કે આ જુગાડ કેટલો કામ લાગશે, પણ એક-બે વારના પ્રયોગો પછી તેણે પોતાના જ સાધનમાં ઇમ્પ્રૂવમેન્ટ કરીને આજે ૧૩ વર્ષથી તે પોતે શોધેલા કુકરવાળા ડાયાલિસિસ મશીનથી જ કામ ચલાવે છે. તેનો દાવો છે કે ૧૩ વર્ષમાં તે કદી હૉસ્પિટલમાં ગયો નથી. આ કેસ મેડિકલજગત માટે કોયડો છે. ડૉક્ટરો પણ અચંબિત છે કે ઘરેલુ ચીજોથી કોઈ ડાયાલિસિસ કઈ રીતે કરી શકે. 

offbeat news china international news world news