પાંચ વર્ષથી પત્ની માટે ઑક્સિજન સિલિન્ડર લેવા રોજ ૬ કિલોમીટર ચાલે છે આ ભાઈ

16 December, 2025 11:29 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

અનીતાને ૨૦૨૦માં કોરોના થયો હતો. એ વખતે ફેફસાંમાં ઇન્ફેક્શન થઈ જતાં તેને જીવવા માટે સતત ઑક્સિજન સિલિન્ડરની જરૂર પડવા લાગી છે.

વિજય અને તેની પત્ની

બિહારના ભાગલપુર જિલ્લાના કહલગામમાં વિજય મંડલ નામના ભાઈ પાંચ વર્ષથી પત્ની અનીતા દેવીની ખડેપગે સેવા કરી રહ્યા છે. અનીતાને ૨૦૨૦માં કોરોના થયો હતો. એ વખતે ફેફસાંમાં ઇન્ફેક્શન થઈ જતાં તેને જીવવા માટે સતત ઑક્સિજન સિલિન્ડરની જરૂર પડવા લાગી છે. સારવાર માટે વિજયભાઈ પત્નીને લઈને દિલ્હી સુધી જઈ આવ્યા છે, પણ ડૉક્ટરોએ કહી દીધું કે પત્નીને જીવતી રાખવી હોય તો હંમેશાં ઑક્સિજન સિલિન્ડર રાખવું જરૂરી છે.

બસ, એ પછી ‌વિજયભાઈએ પોતાનાં સંતાનોનાં લગ્ન માટે એકઠા કરેલા ૧૦ લાખ રૂપિયા પત્નીના ઇલાજમાં લગાવી દીધા છે. જ્યારે દરેક હૉસ્પિટલમાંથી આશા છૂટી ગઈ ત્યારે તેમણે ઘરમાં જ હૉસ્પિટલ બનાવી દીધી છે અને પત્નીને ઑક્સિજન પર જિવાડે છે. કરિયાણાની દુકાન ચલાવતા વિજયભાઈ હવે દુકાન દીકરાને ચલાવવા સોંપીને આખો દિવસ પત્નીની સારવારમાં રચ્યાપચ્યા રહે છે. તેઓ રોજ દિવસમાં ૩ વાર ભાગલપુર જઈને ઑક્સિજન સિલિન્ડર લાવે છે. એ દરમ્યાન તેમણે રોજ ૨૦ કિલોમીટર ચાલવું પડે છે અને ખભા પર સિલિન્ડર ઊંચકીને લઈ આવે છે. હવે તો તેમના ખભાની ત્વચા કડક ગાંઠ જેવી થઈ ગઈ છે, પરંતુ હજી તેમણે પત્નીને બચાવવાની આશા છોડી નથી. કેટલાક લોકો વિજયને પત્નીના પ્રેમમાં પાગલ કહે છે તો કેટલાક તેના ત્યાગ અને સમર્પણને બિરદાવે છે. 

offbeat news national news india bihar