21 October, 2025 01:31 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
આ ઉજવણીમાં ગામની ભાગોળે આવેલો ચોરો ગાયના છાણની ગંદકીથી ઊભરાઈ ઊઠે છે.
દિવાળીની ઉજવણી દરમ્યાન જાતજાતની પરંપરાઓ ભારતના ખૂણે-ખૂણે નિભાવાય છે. જોકે એક ગામમાં સાવ જ અનપેક્ષિત રીતે દિવાળીની ઉજવણી થાય છે. તામિલનાડુના ઇરોડ જિલ્લામાં એક ગામ છે થલાવાડી. આ ગામમાં છેલ્લા ત્રણ સૈકાથી લોકો એકબીજાની સામે ગાયનું છાણ એકબીજા પર ફેંકીને દિવાળી ઊજવે છે. આ ઉજવણીમાં ગામની ભાગોળે આવેલો ચોરો ગાયના છાણની ગંદકીથી ઊભરાઈ ઊઠે છે. આ ગામમાં દિવાળીના ઉત્સવનો અંત ગોરેહબ્બા નામના ઉત્સવથી થાય છે. આપણને જે વિચિત્ર લાગે છે એને સ્થાનિક લોકો શ્રદ્ધાપૂર્વક મનાવે છે. આ દિવસે લોકો પોતપોતાના ઘરે જેટલું પણ ગોબર એકઠું થયું હોય એ લઈને મંદિર જાય છે. મંદિરની બહારના એક ખુલ્લા મેદાનમાં ગોબર ફેલાવી દેવામાં આવે છે. એ પછી લોકો એ ગોબરના ગોળા બનાવીને એકબીજા પર ફેંકે છે. બીરેશ્વરાર મંદિરમાં દિવાળીના ચોથા દિવસે ખાસ ઉત્સવ ઊજવાય એ પછીથી ગોબરથી હોળી રમવામાં આવે છે. આ માટે ગાયના ગોબરને થોડુંક સૂકવી દેવામાં આવે છે જેથી ગંધાય ઓછું. સુકાયેલું ગોબર ગામની ગલીઓમાં એકબીજાની ઉપર ફેંકીને મારવામાં આવે છે. સદીઓ પહેલાં જ્યાં ગામના લોકો ગાયનું છાણ ભરી રાખતા હતા એ ખાડામાંથી એક શિવલિંગ જેવું મળી આવ્યું હતું. આ શિવલિંગને બીરેશ્વરાર મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું. એ પછીથી ગામલોકોમાં રિવાજ પડી ગયો કે લોકો દર વર્ષે દિવાળીમાં ઘરે-ઘરેથી એકઠું કરેલું છાણ મંદિરની બહાર એકઠું કરે અને એનાથી ઉત્સવ મનાવે. લોકો એમાં ખૂંપીને રમે. ઉત્સવ પૂરો થયા પછી લોકો ગોબર પોતાના ખેતરમાં લઈ જઈને વેરી નાખે. આ છાણ કમ્પોસ્ટની ગરજ સારે છે અને એને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે. આવો જ ઉત્સવ કર્ણાટક-તામિલનાડુની બૉર્ડર પર આવેલા ગુમાતાપુરા ગામમાં પણ મનાવવામાં આવે છે. ટૂંકમાં દિવાળી માત્ર પ્રકાશ અને મીઠાઈઓનો જ ઉત્સવ નથી, કેટલાંક ગામોમાં ખેતરોને ફળદ્રુપ બનાવવા માટેનો ઉત્સવ પણ છે.