18 May, 2026 11:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાના સમુદ્રકિનારે હજારો અજ્ઞાત વસ્તુઓ તરતી હોવાનું જોવા મળ્યું છે
પરગ્રહવાસીઓ હશે કે નહીં અને અન્ય ગ્રહો પર જીવન વસે છે કે કેમ એ બાબતે રહસ્ય અકબંધ છે ત્યારે અમેરિકાના સમુદ્રની અંદર હજારો અનઆઇડેન્ટિફાઇડ ઑબ્જેક્ટ્સ તરતા જોવા મળ્યા હોવાના અહેવાલોએ રહસ્યને વધુ ઘેરું બનાવ્યું છે. અમેરિકાના સમુદ્રકિનારે હજારો અજ્ઞાત વસ્તુઓ તરતી હોવાનું જોવા મળ્યું છે. આકાશમાં ઊડતી અજ્ઞાત ચીજોને ઊડતી રકાબી અથવા તો અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ (UFO) કહેવાય છે એવી જ રીતે સમુદ્રમાં જોવા મળતી ચીજોને અનઆઇડેન્ટિફાઇડ સબમર્સિબલ ઑબ્જેક્ટ (USO) કહેવામાં આવે છે. આ USO પાણીમાં ખૂબ ઝડપથી દોડે છે અને અચાનક દિશા પણ બદલી નાખે છે. કહેવાય છે કે આ ટ્રાન્સમીડિયમ ક્ષમતાવાળી વસ્તુ હોય છે જે હવા અને પાણીનો ચાલવા માટે ઉપયોગ કરે છે.
UFP રિપોર્ટિંગ ઍપ પર ૨૦૨૨થી તરતી રકાબીઓનો ડેટાબેઝ તૈયાર થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ ઊડતી રકાબીઓની ઘટના નોંધાઈ ચૂકી છે. ગયા વર્ષથી વૈજ્ઞાનિકોની નજર આકાશમાંથી સમુદ્રના પેટાળ પર પણ પડી છે. ઑગસ્ટ ૨૦૨૫થી અત્યાર સુધીમાં અમેરિકાના દરિયાના તટથી ૮ કિલોમીટર દૂરના વિસ્તારોમાં ૯૦૦૦થી વધુ USO તરતા હોવાનું નોંધાયું છે.