23 November, 2025 01:39 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
આ કલાકૃતિને દુનિયાની સૌથી મોટી વાઘની કૃતિ ગણવામાં આવી છે
મધ્ય પ્રદેશના સિવનીમાં કેટલાક યુવાનોએ ભેગા મળીને ભંગારમાંથી વાઘનું સ્ટૅચ્યુ બનાવ્યું હતું. આ કલાકૃતિને દુનિયાની સૌથી મોટી વાઘની કૃતિ ગણવામાં આવી છે અને અમેરિકાના જ્યૉર્જિયામાં બનેલા વાઘના જાયન્ટ સ્ટૅચ્યુને પણ એણે પાછળ રાખી દીધું છે. વર્લ્ડ રેકૉર્ડ ઍકૅડેમી અનુસાર અત્યાર સુધીમાં સૌથી મોટી વાઘની કૃતિ અમેરિકામાં હતી જે ૮ ફુટ ઊંચી અને ૧૪ ફુટ લાંબી હતી. જોકે પેન્ચ પાસે બનેલી ટાઇગરની કૃતિ ૧૭ ફુટ ૬ ઇંચ ઊંચી, ૪૦ ફુટ લાંબી અને ૮ ફુટ પહોળી છે. સિવનીના આર્ટિસ્ટ રિષભ કશ્યપે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આ આર્ટવર્ક બનાવવાનો વિચાર મૂક્યો હતો જે મંજૂર થયો અને ૭ મહિનાની મહેનત અને બારથી ૧૩ લોકોની ટીમે આ વાઘ બનાવ્યો હતો. આ માટે લગભગ ૧૦ ટન લોખંડના ભંગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ ભંગારની ચીજોને વેલ્ડિંગ કરીને જોડીને એના પર વાઘ જેવું રંગરોગાન કરવામાં આવ્યું છે. પેન્ચ ટાઇગર રિઝર્વે આ કૃતિને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મળે એ માટે આવેદન કર્યું છે.