23 April, 2026 11:54 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
લૉરા એ સમયે મશહૂર ફૅશન-ડિઝાઇનર લુસી સાથે કામ કરતી હતી
દુનિયાના સૌથી ફેમસ જહાજ અને સૌથી કરુણ અંજામ પામનાર ટાઇટૅનિક સાથે સંકળાયેલી એકાદી નાની ચીજ પણ અત્યારે કરોડોના મૂલ્યની થઈ ગઈ છે. ટાઇટૅનિક તો ડૂબી ગયું, પરંતુ એની પાછળ અનેક વાર્તાઓ છૂટી ગઈ છે. હાલમાં બ્રિટનમાં એક ઑક્શન હાઉસમાં ટાઇટૅનિકમાં બચી ગયેલી મહિલા લૉરા માબેલ ફ્રૅન્કાટેલીએ પહેરેલું લાઇફ જૅકેટ ઑક્શન થયું હતું. હરાજીમાં એના ૯ કરોડ રૂપિયા ઊપજ્યા હતા. આમ જુઓ તો એ સાદું લાઇફ જૅકેટ છે, પરંતુ એક ખૌફનાક રાતની સાક્ષી પૂરતા આ જૅકેટે એક જણની લાઇફ બચાવી હોવાથી એ ખાસ બની ગયું છે. આ જૅકેટ પર લૉરા અને તેને બચાવનારા રક્ષકોની સાઇન પણ કરેલી છે. લૉરા એ સમયે મશહૂર ફૅશન-ડિઝાઇનર લુસી સાથે કામ કરતી હતી. તે લાઇફબોટ નંબર એકમાં સવાર હતી જેના પર આજે પણ વિવાદ છે. એમાં ૪૦ લોકોની જગ્યા હતી, પરંતુ એમાં માત્ર ૧૨ જણ જ બેઠા હતા.
આ જ ઑક્શનમાં ટાઇટૅનિકનું સીટ કુશન પણ પાંચ કરોડ રૂપિયામાં વેચાયું હતું.