21 October, 2025 03:03 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
દેશભરમાં દિવાળીની જોરદાર ઉજવણી ચાલી રહી છે. દિવાળીમાં કર્મચારીઓને બોનસ અને ગિફ્ટ આપવામાં આવે છે. જોકે હાલમાં દિવાળીનું બોનસ ઓછું મળવાથી કર્મચારીઓએ અનોખું પ્રદર્શન કર્યું છે. દિવાળી બોનસ ઓછું મળવાથી આગ્રા-લખનઉ એક્સપ્રેસવેના ટોલ પ્લાઝા પર કલાકો સુધી હડતાળ કરી અને ગુસ્સે ભરાયેલા કર્મચારીઓએ 5,000 થી વધુ વાહનો માટે ટોલ ગેટ ખોલી નાખ્યો અને તેમને મફત પ્રવેશ આપ્યો. જેથી ટોલ કર્મચારીઓના આવા અનોખા વિરોધ પ્રદર્શનની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. જોકે આ ઘટના અંગે કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર ફતેહાબાદ ટોલ પ્લાઝાના એકવીસ કર્મચારીઓએ દિવાળી બોનસ ન મળતા હડતાળ પાડી હતી. પરિણામે, શનિવારે મધ્યરાત્રિથી ટોલ પ્લાઝા મુક્ત થઈ ગયો. અહેવાલો અનુસાર, રવિવાર સુધી તે કાર્યરત ન હતું, અને વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થઈ રહ્યા હતા. શ્રી સાંઈ અને દાતાર કંપનીઓના કર્મચારીઓએ શનિવારે રાત્રે ટોલ પ્લાઝાના ગેટ ખોલીને વિરોધ પ્રદર્શન કર્યું. એક અહેવાલ મુજબ, કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી, કંપની તેમને કહી રહી છે કે તેમના બોનસના પૈસા તેમના ખાતામાં જમા થશે, પરંતુ તેમને હજી સુધી તે મળ્યા નથી. તેમણે કહ્યું કે માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
જ્યારે બીજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને ગયા વર્ષ કરતાં ઓછું બોનસ આપવામાં આવ્યું હતું. અહેવાલોમાં જણાવાયું છે કે એક કલાક લાંબી હડતાળ પૂરી થઈ, દિવાળી બોનસ દીઠ માત્ર ૧,૧૦૦, ગયા વર્ષના ૫,૦૦૦ રૂપિયાના બોનસ કરતાં ઓછું હતું. અધિકારીઓએ કર્મચારીઓ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ના પાડી, અને ટોલ પ્લાઝા પરથી વાહનો પસાર થતા રહ્યા. વિરોધ કરનારાઓમાં મિન્ટુ સિંહ ધકરે, રામકુમાર કેશવ સિંહ ગુર્જર, શિવકુમાર, સચિન ગોસ્વામી, દિલીપ પાંડે અને અતુલનો સમાવેશ થાય છે. દાતાર કંપનીના જનરલ મેનેજર સંજય સિક્કાએ જણાવ્યું હતું કે હડતાળ પૂરી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ચંડીગઢની ફાર્મા કંપનીએ ૫૧ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે આપી લક્ઝરી કાર
સતત ત્રીજા વર્ષે ચંડીગઢની ફાર્મા કંપનીના માલિક એમ. કે. ભાટિયાએ કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે નવી કારો ભેટમાં આપી હતી. પોતાની ઉદારતા અને સામાજિક પ્રતિબદ્ધતા માટે જાણીતા ફાર્મા કંપનીના માલિક એમ. કે. ભાટિયાએ આ દિવાળી પર તેમની કંપનીના ૫૧ કર્મચારીઓને લક્ઝરી કાર ભેટ આપી હતી. તેમનું કહેવું છે કે ‘આ ભેટ મારી ટીમ પ્રત્યેનું મારું સન્માન અને મહેનતને કદર કરવાનો તરીકો છે. હું જેને મારા મતે સેલિબ્રિટી માનું છું એ સૌને નવી કાર ગિફ્ટ કરી છે.’