09 April, 2026 09:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાક લણતી વખતે મશીનમાં મજૂરનો હાથ ફસાયો ને મશીને આખેઆખું શરીર ખેંચી કચડી નાખ્યું
પ્રયાગરાજ પાસેના મજૂરા ગામમાં એક ખેતરમાં ઘઉંની લણણી ચાલી રહી હતી ત્યારે અચાનક એવી ઘટના ઘટી કે એ જોનારા લોકોને કમકમાં આવી ગયાં. રાજકુમાર નામના ખેડૂતના ખેતરમાં ઘઉંનો પાક લણવા માટે થ્રેશર મશીન ચાલી રહ્યું હતું. એ વખતે ટ્રૅક્ટર સાથે જોડાયેલા થ્રેશર મશીનમાં તેનો ૧૮ વર્ષનો દીકરો સુમિત ઘઉંના પૂળા નાખવાનું કામ કરી રહ્યો હતો. જોકે અચાનક જ પૂળા નાખતી વખતે તેનો હાથ પણ મશીનમાં ફસાઈ ગયો. મશીન ખૂબ ઝડપથી ચાલી રહ્યું હતું એટલે યુવક પોતાને સંભાળી ન શક્યો અને ગણતરીની ક્ષણોમાં તેનું આખું શરીર થ્રેશર મશીનમાં ક્રશ થઈ ગયું. ખેડૂત મશીન બંધ કરે એ પહેલાં તો તેનું માથું અને ધડ મશીનમાં કચરાઈ ગયાં. બહાર માત્ર તેના પગ તરફડતા રહ્યા. આ ઘટના જોઈને લોકોની ચીસો નીકળી ગઈ, પણ કોઈ કંઈ ન કરી શક્યું. ખેડૂતના પરિવાર સહિત આખા ગામમાં આ ઘટનાથી રોકકળ મચી ગઈ. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. પોસ્ટમૉર્ટમ માટે શરીરને લઈ જવામાં પણ ખૂબ તકલીફ પડી.