06 March, 2025 03:47 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
૧૩ વર્ષના કૅન્સરપીડિત અને સર્વાઇવર ડી. જે. ડૅનિયલ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકી કૉન્ગ્રેસને કરેલા પહેલા સંબોધનમાં ૧૩ વર્ષના કૅન્સરપીડિત અને સર્વાઇવર ડી. જે. ડૅનિયલને માનદ સીક્રેટ સર્વિસ એજન્ટ નીમીને અમેરિકનોને ભાવુક કરી દીધા હતા. ડી.જે.ને બાળપણથી જ પોલીસ અધિકારી બનવું હતું, પણ હવે ટ્રમ્પે તેને અમેરિકાનો સૌથી યુવા સીક્રેટ સર્વિસ એજન્ટ બનાવ્યો છે.
ટેક્સસ રાજ્યના વતની એવા ડી. જે. ડૅનિયલને ૨૦૧૮માં દુર્લભ પ્રકારનું કૅન્સર થયું હતું અને ડૉક્ટરોએ કહી દીધું હતું કે તે વધુમાં વધુ પાંચ મહિના જ જીવી શકશે. જોકે આ યુવાએ આશા છોડી નહીં અને બીમારીથી લડતાં-લડતાં પોતાના સપનાને જીવતું રાખ્યું હતું. ટ્રમ્પે પણ તેની હિંમતને બિરદાવી હતી અને ઐતિહાસિક ઘોષણા કરી હતી. ત્યાર બાદ સદનમાં ડીજે... ડીજે...ની ઘોષણાઓ સાંભળવા મળી હતી. ડૅનિયલને તેના પિતાએ ઊંચકી લીધો હતો. સીક્રેટ સર્વિસ ડિરેક્ટર ખુદ મંચ પર આવ્યા હતા અને તેને ઑફિશ્યલ બૅજ સોંપ્યો હતો.
ડી. જે. ડેનિયલની સંઘર્ષગાથા અને ઇચ્છાશક્તિ હવે લાખો લોકો માટે પ્રેરણા બની ચૂકી છે. સોશ્યલ મીડિયા પર તેની કહાની વાઇરલ થઈ ગઈ છે.