09 January, 2026 02:33 PM IST | Noida | Gujarati Mid-day Correspondent
આ છે એ જોડિયા બ્રધર
નોએડાની પોલીસે ટૂ-વ્હીલરની ચોરી કરતી એક ગૅન્ગનો પર્દાફાશ કર્યો હતો. એમાં બે જોડિયા ભાઈની સાથે ૪ અન્ય આરોપીઓને પણ પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ૧૫ ટૂ-વ્હીલર્સ અને ખૂબ મોટી માત્રામાં ટૂ-વ્હીલર્સના સ્પેરપાર્ટ્સ મળ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે આ ગૅન્ગના માસ્ટરમાઇન્ડ બે જોડિયા ભાઈઓ છે. અરમાન અને ઉલમાન નામના બે ભાઈઓ એકદમ સરખા જ દેખાય છે. બન્ને એક જેવાં જ કપડાં પહેરીને ફરતા એને કારણે તેમની ઓળખ કરવાનું મુશ્કેલ થઈ જતું હતું. એક ભાઈ દુકાન પર બેસતો હતો, જ્યારે બીજો ભાઈ ‘ધૂમ-૩’ ફિલ્મની સ્ટાઇલમાં ચોરીને અંજામ આપતો. એને કારણે કદી આ માણસ ચોરીમાં સામેલ છે એવું સાબિત કરી શકાતું નહીં. પહેલાં તેઓ આસપાસના વિસ્તારોમાંથી ટૂ-વ્હીલર્સની રેકી કરતા અને પછી એકાંત મળે ત્યારે લૉક તોડીને વાહન ચોરી લેતા. દુકાન પર જઈને વાહનના સ્પેરપાર્ટ્સ છૂટા પાડીને એને વેચી નાખવામાં આવતા.