19 February, 2026 11:29 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ઝારખંડના જમશેદપુરમાં તાજેતરમાં હરમંગેયા નામનું પર્વ ઊજવાયું. આ પર્વમાં બે છોકરાનાં પ્રતીકાત્મક લગ્ન કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યાં હતાં. આ જનજાતિની સદીઓ જૂની પરંપરા છે. જે બાળકોના ઉપરના દાંત પહેલાં ફૂટે એને અશુભ માનવામાં આવે છે. એવું મનાય છે કે આવાં બાળકો સાથે કોઈક અનહોની અને દુર્ઘટના થવાની સંભાવના વધુ રહે છે. દૈવીય આપત્તિ માત્ર બાળક પર જ નહીં, આખા પરિવાર પણ આવી શકે છે. આવું ન થાય એ માટે તેમના ફરતે એક શીલ્ડ ક્રીએટ કરવું જરૂરી છે. પરંપરાગત રીતે આ શીલ્ડ માદા કૂતરા સાથે વિવાહ કરવાથી મજબૂત બને છે એવી સદીઓ જૂની માન્યતા છે. ગામલોકોનું માનવું છે કે અશુભ દોષનો નાશ કરવા માટે બાળકનાં માદા કૂતરા સાથે લગ્ન કરાવવામાં આવે તો એ ખરાબ દોષ ઊતરી જાય છે અને એ સંકટ કૂતરી પર ટ્રાન્સફર થઈ જાય છે. આ લગ્ન ભલે પ્રતીકાત્મક હોય, પરંતુ એમાં ધામધૂમ અને વિધિઓ બધી જ અસલ લગ્ન જેવી હોય છે. જાન નીકળે છે, વાજિંત્રો વગાડીને ધામધૂમ અને નાચગાન થાય છે અને સગાંસંબંધીઓ અને ગામને એમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ કૂતરી એ પછી તેમના ઘરે જ રહે છે.