બિહારમાં બે પુરુષ શિક્ષકોને મળી મૅટરનિટી લીવ

27 December, 2024 08:52 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

સિસ્ટમમાં ખામીને કારણે મેડિકલ લીવના સ્થાને તેમને મૅટરનિટી લીવ મળી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

સ્કૂલ

બિહારના વૈશાલી અને જમુઈ જિલ્લામાં બે પુરુષ શિક્ષકોની મૅટરનિટી લીવ મંજૂર થઈ હોવાનું બિહારના શિક્ષણ વિભાગના ઈ-શિક્ષાકોશ પોર્ટલ પર જણાવવામાં આવતાં લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા. મહિલા શિક્ષકોને મૅટરનિટી લીવ મળે છે, પણ આ કેસમાં બે પુરુષ શિક્ષકોને મૅટરનિટી લીવ મળી હતી.

વૈશાલી જિલ્લાના હાજીપુરના હસનપુર ઓસ્તી વિદ્યાલયના ટીચર જિતેન્દ્રકુમાર સિંહે નવ મહિનાની મેડિકલ લીવ મૂકી હતી, પણ ઈ-શિક્ષાકોશ પોર્ટલ પર તેમને પ્રેગ્નન્ટ દર્શાવીને નવ મહિનાની મૅટરનિટી લીવ અપાઈ હતી. બીજી તરફ જમુઈમાં પણ એક શિક્ષક મોહમ્મદ ઝહીર બીમાર થયા હોવાથી તેમણે મેડિકલ લીવ મૂકી હતી, પણ જ્યારે એ લીવની જાણકારી ઈ-શિક્ષાકોશ પોર્ટલ પર આવી ત્યારે તેમની ૧૮થી ૨૭ નવેમ્બર સુધીની મૅટરનિટી લીવ મંજૂર થઈ હતી. પોર્ટલ પર પુરુષ શિક્ષકોને મૅટરનિટી લીવ મંજૂર થયાનું બહાર આવતાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

આ મુદ્દે શિક્ષણ વિભાગનાં અધિકારી અર્ચનાકુમારીએ જણાવ્યું હતું કે ‘પોર્ટલ પર ગરબડને કારણે આમ થયું છે. પુરુષ ટીચરોને મૅટરનિટી લીવ મળતી નથી, પણ સિસ્ટમમાં ખામીને કારણે મેડિકલ લીવના સ્થાને તેમને મૅટરનિટી લીવ મળી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.’

offbeat news bihar national news india Education