31 October, 2026 02:43 PM IST | Agra | Gujarati Mid-day Correspondent
બે પત્નીઓએ સાથે રાખ્યું કરવા ચૌથનું વ્રત
ગુરુવારે કરવા ચૌથની રાતે ઉત્તર ભારતમાં જાતજાતનો નજારો જોવા મળ્યો હતો. કેટલાંક શહેરોમાં ઘરની અગાસીમાં ચાંદ ન દેખાતાં પત્નીઓ પોતાના પતિઓને લઈને નદી પર આવેલા બ્રિજ પર પહોંચી ગઈ હતી તો કેટલીક પત્નીઓએ હૉસ્પિટલના બિછાના પર પણ કરવા ચૌથની પૂજા કરી હતી. જોકે આગરા પાસેના એક ગામમાં રહેતા પરિવારની કહાણી કંઈક અલગ જ છે. રામબાબુ નામના ભાઈના ઘરમાં કરવા ચૌથનું ડબલ સેલિબ્રેશન હતું. એક પતિને પૂજવા અને તેની લાંબી ઉંમરની કામના કરવા માટે બબ્બે પત્નીઓએ વ્રત રાખ્યું હતું.
નગલા બિહારી નામના ગામમાં રહેતા રામબાબુનાં ૨૦૧૫માં પ્રથમ લગ્ન સિયા દેવી સાથે થયાં હતાં. એ લગ્નથી તેમને ૩ સંતાનો પણ છે. જોકે એ પછી ૨૦૨૩માં રામબાબુને આસ્થા નામની બીજી યુવતી સાથે પ્રેમ થઈ ગયો. શરૂઆતમાં સિયાદેવીએ વિરોધ કર્યો પણ પછી તેમણે પતિનાં પ્રેમલગ્નને સ્વીકારી લીધાં. હવે બન્ને પત્નીઓ એક પતિ સાથે એક છત નીચે જ રહે છે. પરિવારની જવાબદારીઓ પણ તેમણે વહેંચી લીધી છે. બન્નેએ આ વખતે કરવા ચૌથનું વ્રત પણ સાથે રાખ્યું હતું અને ચાંદ જોયા પછી પતિની આરતી પણ ઉતારી હતી. બીજી પત્ની આસ્થાએ પણ તાજેતરમાં એક દીકરાને જન્મ આપ્યો છે. રામબાબુનું કહેવું છે કે તેમની બન્ને પત્નીઓમાં બહેનો જેવો પ્રેમ અને સમજણ છે.