18 March, 2026 02:24 PM IST | Udaipur | Gujarati Mid-day Correspondent
પ્રતાપનગર પોલીસ-સ્ટેશન
ઉદયપુરના પ્રતાપનગર પોલીસ-સ્ટેશનમાં પોલીસોએ એ થાણામાં ૨૫ વર્ષથી ભોજન બનાવતી મીરાબાઈ નામની મહિલાના દીકરા માટે મામા બનીને જવાબદારી નિભાવી હતી. રવિવારે સાંજે પોલીસ-સ્ટેશનના અધ્યક્ષ પૂરણસિંહ રાજપુરોહિત સહિત તમામ પોલીસો ઢોલ-નગારાં સાથે મીરાબાઈના ઘરે પહોંચ્યા હતા. એ વખતે તેઓ પરંપરાગત અંદાજમાં થાળીમાં મામેરું સજાવીને લઈ ગયા હતા. પોલીસો તેમની વરદી પર માથે સાફા બાંધીને સજાવેલા થાળમાં કપડાં અને રોકડ રકમ લઈને મંડપ સુધી પહોંચ્યા હતા. મીરાબાઈએ પોલીસભાઈઓનું જોરદાર સ્વાગત કર્યું હતું અને પોલીસ-ટીમે ૧.૧૧ લાખ રૂપિયાની રોકડ રકમ સાથેનો થાળ મામેરા તરીકે ભેટ આપતાં મીરાબાઈ ભાવુક થઈ ગયાં હતાં. મીરાબાઈ છેલ્લાં ૨૫ વર્ષથી પોલીસ થાણામાં ભોજન બનાવવાનું કામ કરે છે અને તેઓ એક માની જેમ તમામ પોલીસોનું ધ્યાન રાખીને જમાડતાં આવ્યાં છે. તેમના પ્રેમને જોતાં પોલીસ-સ્ટેશનના સ્ટાફે ભેગા મળીને નક્કી કર્યું કે તેમના દીકરાનાં લગ્નમાં મામેરું ભર્યું હતું. મીરાબાઈનું કહેવું છે કે તેનો દીકરો મુકેશ ૬ મહિનાનો હતો ત્યારે તેના પતિનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે એકલપંડે મહેનત કરીને દીકરાને ઉછેર્યો છે.