23 August, 2025 09:17 AM IST | London | Gujarati Mid-day Correspondent
ડિવૉર્સનાં ૧૫૦૦ કાગળિયાંમાંથી બનાવ્યો વેડિંગ ડ્રેસ
ઇંગ્લૅન્ડના વેસ્ટ સસેક્સમાં રહેતી ડેમી બર્નેસ નામની આર્ટ સ્ટુડન્ટે પોતાના સ્કૂલ-પ્રોજેક્ટ માટે એક અનોખું ક્રીએશન કર્યું છે. તેણે કાગળમાંથી વેડિંગ ડ્રેસ બનાવ્યો છે. આમ જોઈએ તો વેડિંગ ડ્રેસ કાગળમાંથી બનાવવો એ કંઈ નવી વાત થોડી છે? ના, જરાય નહીં. જોકે ડેમીએ જે કાગળ વાપર્યા છે એ યુનિક છે. એ કાગળ છે લોકોએ કોર્ટમાં ફાઇલ કરેલાં ડિવૉર્સનાં પેપર્સ. તેણે દરેક કાગળને યુનિક રીતે શેપમાં ફોલ્ડ કરીને, સ્ટેપલર લગાવીને તેમ જ ચોક્કસ જગ્યાએ ગુંદરનો ઉપયોગ કરીને એમાંથી મજાનો ઘેરદાર વેડિંગ ડ્રેસ બનાવ્યો છે. આ માટે તેને લગભગ ૧૦ કલાક લાગ્યા હતા. હવે સવાલ એ આવે કે ડેમીએ વેડિંગનાં કપડાંમાં ડિવૉર્સના કાગળ યુઝ કરીને લોકોનું ધ્યાન ખેંચવાનું ગિમિક શું કામ કર્યું? તો એની સામે ડેમીનો જવાબ પણ હાજર છે. તેનું કહેવું છે કે ‘હું આમ તો કોઈ પણ કાગળ યુઝ કરી શકી હોત, પણ મારે એ જણાવવું હતું કે લોકો આજકાલ લગ્ન કરવામાં બહુ ઉતાવળ કરી રહ્યા છે. તેઓ લગ્ન પહેલાં ખરેખર એ માટે તૈયાર છે? એકમેક માટે કમ્પૅટિબલ છે? જેવા સવાલો માટે જાગૃત નથી હોતા. લગ્ન પહેલાં ડિવૉર્સની સંભાવનાઓ બાબતે સજાગ રહેવું જરૂરી હોવાથી આ અળવીતરો અને બોલ્ડ પ્રયોગ કર્યો છે.’