03 July, 2025 12:23 PM IST | London | Gujarati Mid-day Correspondent
ક્લો ફિટન નામની ૧૫ વર્ષની કન્યાએ એન્ટ્રી માટે ગાયની પસંદગી કરી હતી.
બ્રિટનના મૅન્ચેસ્ટરમાં એક ખેડૂતની દીકરીએ પોતાની સ્કૂલની પ્રૉમ ઇવેન્ટમાં જે રીતે એન્ટ્રી લીધી એ જોઈને બધા ચોંકી ગયા હતા. સામાન્ય રીતે પ્રૉમ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ લક્ઝરી કાર, ઘોડા કે મોંઘી ચીજો પર સવાર થઈને આવતા હોય છે. જોકે ક્લો ફિટન નામની ૧૫ વર્ષની કન્યાએ એન્ટ્રી માટે ગાયની પસંદગી કરી હતી.
આજકાલની યંગ જનરેશનને સ્વૅગ બહુ પસંદ છે. જોકે કેટલાક લોકો સ્વૅગ માટે ખોટા ખર્ચા નથી કરતા, પરંતુ પોતાનાં મૂળિયાંને વળગી રહીને અલગ ટાઇપનો સ્વૅગ બતાવે છે. બ્રિટનની ક્લો ફિટન નામની ફાર્મરની દીકરીએ એ માટે પોતાના ઘરના મહત્ત્વના સદસ્ય સાથે એન્ટ્રી લીધી હતી. આ સદસ્ય એટલે તેમની પાળેલી ગાય. બ્રિટિશ બ્લુ પ્રજાતિની પાંચ વર્ષની ઓએસિસ નામની ગાય પર બેસીને ક્લો સ્કૂલ-ઇવેન્ટમાં આવી હતી. એ વખતે તેના પિતા રિચર્ડ અને ભાઈ થૉમસ ગાયને સંભાળીને ચલાવીને લાવ્યા હતા. ક્લોની પાંચ પેઢીઓ ખેડૂત રહી ચૂકી છે અને એનો આ પરિવારને ગર્વ છે. થોડાં વર્ષો પહેલાં તેનો ભાઈ થૉમસ સ્કૂલ પ્રૉમમાં પીળા રંગના એક ટ્રૅક્ટર પર ગયો હતો. ક્લોને ગાય સાથે સ્ટેડિયમમાં જવા ન મળ્યું, પરંતુ પાર્કિંગમાં તેને જોઈને બધા અચંબિત થઈ ગયા હતા. ક્લોનું કહેવું છે કે ‘ઇવેન્ટનું સ્થળ મારા ઘરથી જસ્ટ ૪૦૦ ફુટની દૂરી પર હતું એટલે બીજા કોઈ વાહનને બદલે અમે ગાયની જ પસંદગી કરી હતી. મારી ગાયને પણ લોકોની વચ્ચે રહીને આકર્ષણના કેન્દ્ર બનવું બહુ ગમે છે.’