05 July, 2025 12:52 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
ભારતના દરેક વિકાસશીલ શહેરમાં આજકાલ લાંબા ઓવરબ્રિજ અને રેલવેલાઇનો નખાઈ રહ્યાં છે. એવામાં લખનઉમાં બે લેનનો એક કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બની રહ્યો હતો. આ બ્રિજનો આશય લોકોની સફરને સરળ બનાવવાનો હતો, પરંતુ આ કૃષ્ણાનગર-કેસરીખેડા ઓવરબ્રિજનું પ્લાનિંગ જે રીતે થયું એને કારણે એ બ્રિજ પૂરો જ નથી થઈ શક્યો. હાલમાં આ ફ્લાયઓવર અન્ડર-કન્સ્ટ્રક્શન છે અને એ એક કૉર્નર પાસે સીધો એક બિલ્ડિંગની અંદર ઘૂસી રહ્યો છે. બિલ્ડિંગની દીવાલ સાથે ઑલમોસ્ટ ટચ થઈ ગયો છે આ ફ્લાયઓવર, જાણે એ બિલ્ડિંગમાં જવા માટે જ બન્યો હોય! આ વિચિત્ર દૃશ્ય સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકો એને વિશ્વની આઠમી અજાયબી કહી રહ્યા છે. ઇન્ટરનેટ પર ભલે એ હસી-મજાકનો વિષય બન્યો, પરંતુ અહીં રહેતા લોકો માટે એ ખરેખર મુસીબત છે. એવું કહેવાઈ રહ્યું છે કે જમીનના વિવાદને કારણે આ ગરબડ થઈ છે. જોકે એને કારણે મહિનાઓથી આ ફ્લાયઓવરનો પ્રોજેક્ટ હવામાં જ લટકી રહ્યો છે.