09 November, 2025 11:06 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
લગ્નની કંકોતરી દવાની સ્ટ્રિપ જેવી સ્ટાઇલમાં
લોકો પોતાના પ્રોફેશનને અનુરૂપ લગ્નની કંકોતરીઓ બનાવતા થયા છે. જોકે આ નવા ટ્રેન્ડમાં લોકો મોટા ભાગે પ્લેન, ફોન, લૅપટૉપ અને ગૅઝેટ્સ જેવા ફૉર્મમાં કંકોતરીઓ બનાવતા આવ્યા છે. જોકે તામિલનાડુના એક યુગલે ક્રીએટિવિટીના મામલે મેદાન મારવા જેવું કામ કર્યું છે. તામિલનાડુના તિરુવન્નમલાઈ જિલ્લાના એઝિલારાસન નામના ભાઈ ફાર્મસિસ્ટ છે અને તેમની દવાની દુકાન છે. બીજી તરફ વિલ્લુપુરમની વસંતકુમારી નર્સનું કામ કરે છે. આ બન્નેનાં લગ્નની કંકોતરી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. દુલ્હો અને દુલ્હન બન્ને હૉસ્પિટલ અને દવાઓ સાથે સંકળાયેલાં હોવાથી તેમણે પોતાનાં લગ્નની કંકોતરી જાણે દવાની સ્ટ્રિપની સ્ટાઇલમાં છપાવી હતી. લગ્ન કોની વચ્ચે થાય છે ત્યાંથી લઈને તારીખ અને સ્થળ સુધ્ધાં દવાની સ્ટ્રિપની પાછળ ઝીણા અક્ષરોમાં છપાયેલું હતું. તેમનાં લગ્નની કંકોતરીને ઉકેલવા અને સમજવા માટે પણ લોકોને દવાની સ્ટ્રિપ વાંચતાં આવડવી જોઈએ.