27 October, 2025 02:13 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પરિવારે દીપુને તેમની પાસે મૂકી જવા કહ્યું તો બાબાએ ના પાડી દીધી અને કહ્યું કે હવે આ દીકરો અમારા આશ્રમનો દીકરો છે. શનિવારે તેઓ દીકરાને પાછો લઈ ગયા હતા.
ઉત્તર પ્રદેશના બુલંદશહર પાસેના સૂરજપુર ટીકરી ગામમાં એક ચમત્કારિક ઘટના બની છે. ૧૩ વર્ષ પહેલાં સાપ કરડવાથી મરી ગયેલો કિશોર જીવતો થઈને પાછો આવ્યો છે. ૧૩ વર્ષ પહેલાં પરિવારનો દીકરો દીપુ ભૂસાની કોઠરીમાંથી સામાન કાઢી રહ્યો હતો ત્યારે એક કોબ્રાએ તેને ડસી લીધો હતો. પરિવારે તરત જ ભૂવાને બોલાવીને ઝેર ઉતારવાની કોશિશ કરી, પણ સફળતા ન મળી. તેને ડૉક્ટર પાસે લઈ ગયા, પણ દીપુ બચી ન શક્યો. ૧૩ વર્ષના દીપુના પાર્થિવ દેહને આખરે ગંગા નદીના વ્રજઘાટ પર પ્રવાહિત કરી દેવામાં આવ્યો. તેમના સમાજની પરંપરા મુજબ કોઈ કિશોરવયથી નાની વયની વ્યક્તિ સાપના દંશથી મૃત્યુ પામે તો તેને પાણીમાં વહાવી દેવામાં આવે છે. જોકે ૨૪ ઑક્ટોબરે બંગાળી નાથ બાબા દીપુને લઈને સૂરજપુર ટીકરી ગામ પહોંચ્યા હતા. દીપુ હવે ૨૬ વર્ષનો થઈ ચૂક્યો છે. બંગાળી બાબાએ કહ્યું હતું કે દીપુનું શબ ગંગામાં વહીને લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા કેટલાક સપેરાઓને મળ્યું હતું. સપેરાઓ એ શબને ઉઠાવીને ૧૨૦ કિલોમીટર દૂર નાગલ ગામમાં આવેલા બંગાળી બાબાના આશ્રમમાં લાવ્યા. બાબાએ તેના માથાના વાળ ખેંચીને જોયું તો લક્ષણો પરથી લાગ્યું કે કિશોર ફરીથી જીવતો થઈ શકે છે. બંગાળી નાથ બાબા દીપુના શરીરને બંગાળમાં પોતાના ગુરુ પાસે લઈ ગયા જ્યાં તેમણે ૭ દિવસ સુધી જડીબુટ્ટીઓની ચિકિત્સા કરતાં થોડા જ દિવસમાં તે જીવતો થઈ ગયો હતો. પછી તો દીપુ પલવલના આશ્રમમાં બાબા સાથે જ રહેવા લાગ્યો. એક વર્ષ પહેલાં પશ્ચિમ બંગાળથી કેટલાક સપેરાઓ સૂરજપુર ગામ આવ્યા હતા. દીપુની મમ્મી સુમનદેવીએ તેમને વાત કરી કે ૧૩ વર્ષ પહેલાં પોતાનો દીકરો કોબ્રા કરડવાથી મૃત્યુ પામ્યો હતો. સપેરાઓએ દીકરાની તસવીર જોઈ તો તેમને લાગ્યું કે આ તો તે જ છોકરો છે જેને તેમણે બંગાળી નાથ બાબા પાસે મોકલ્યો હતો. સુમનદેવી એ સાંભળીને બાબાના આશ્રમ પહોંચી ગયાં તો બાબાએ દીકરાને મોકલવાનો ઇનકાર કરતાં કહ્યું કે તેઓ ખુદ સૂરજપુર તેમના દીકરાને લઈને આવશે. શુક્રવારે બાબા દીપુને લઈને સૂરજપુર ગામ આવ્યા હતા. પરિવારે દીપુને તેમની પાસે મૂકી જવા કહ્યું તો બાબાએ ના પાડી દીધી અને કહ્યું કે હવે આ દીકરો અમારા આશ્રમનો દીકરો છે. શનિવારે તેઓ દીકરાને પાછો લઈ ગયા હતા.