જૂતાં ચોરવાની રસમમાં દુલ્હો ભડકી ગયો, દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી

14 November, 2025 12:50 PM IST  |  Mathura | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના મથુરામાં લગ્નની એક મજાકની પરંપરાએ એટલી મોટી બબાલ ઊભી કરી દીધી કે લગ્ન જ અટકી પડ્યાં

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના મથુરામાં લગ્નની એક મજાકની પરંપરાએ એટલી મોટી બબાલ ઊભી કરી દીધી કે લગ્ન જ અટકી પડ્યાં. ચોરીમાં લગ્ન ચાલી રહ્યાં હોય ત્યારે દુલ્હનની બહેનો જીજાજીનાં જૂતાં ચોરી લેતી હોય છે. જોકે મથુરાના સુરીર વિસ્તારમાં સાતમી નવેમ્બરે થઈ રહેલાં લગ્નમાં જૂતાંચુરાઈની રસમે લગ્ન તોડી નાખ્યાં. સાંજે જાન આવી એ પછી રાત્રિભોજન પછી સાળીઓ જૂતાં ચોરી રહી હતી. એ વખતે દુલ્હો ભડકી ગયો અને સાળીઓ તેમ જ કન્યા પક્ષને જેમતેમ બોલવા લાગ્યો. પહેલાં તો કન્યાએ તેને ટાઢો પાડવાની કો‌શિશ કરી કે આ જસ્ટ એક રસમ જ છે, પણ ભાઈસાહેબ એમ ઠંડા પડ્યા નહીં. દુલ્હાનો ગુસ્સો અને ખરાબ વ્યવહાર જોઈને દુલ્હને પણ કહી દીધું કે આમ કરવું હોય મારે લગ્ન જ નથી કરવાં. એ સાંભળીને દુલ્હો વધુ ભડકી ગયો અને વરમાળા તેમ જ વીંટી ફેંકીને જૂતાં પહેર્યા વિના જ ત્યાંથી નીકળી ગયો.  એ પછી તો કન્યા અને વરપક્ષ વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો. ખાસ્સી ચર્ચા પછી લગ્નનો અડધો ખર્ચ આપીને વરપક્ષના લોકો પણ ત્યાંથી દુલ્હન લીધા વિના જ નીકળી ગયા. 

offbeat news national news india uttar pradesh Crime News mathura