14 October, 2025 11:12 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
શાંતિબહેન
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી શાંતિ સિંહે કરિયાણાની દુકાન ખોલી હતી. તેમની દુકાને શનિવારે રાતે લગભગ ૮ વાગ્યે એક માણસ ગ્રાહક બનીને આવ્યો જે તેમને મારવા આવ્યો હતો, પરંતુ શાંતિબહેનની સમયસૂચકતા અને સ્માર્ટનેસે તેમને બચાવી લીધાં. તેમની દુકાન પર શનિવારે રાતે ૮ વાગ્યાના અરસામાં એક માણસ બાઇક પર ગ્રાહક બનીને આવ્યો હતો. તેણે હેલ્મેટ પહેરી રાખી હતી. પહેલાં તેણે ૫૦ રૂપિયા આપીને થોડી સાકર અને પાનમસાલો લીધાં. શાંતિબહેને ૨૦ રૂપિયા પાછા આપ્યા તો તેણે એનો રવો આપવાનું કહ્યું. શાંતિબહેનને શંકા જતાં તે ક્યાં રહે છે એની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે નજીકના ઘરમાં ભાડેથી રહેવા આવ્યો છું. એ પછી શાંતિબહેન રવો લેવા પીઠ ફેરવીને દુકાનમાં ગયાં. એ જ વખતે પેલા માણસે ગળામાં ભરાવેલો ગમછો કાઢીને શાંતિબહેનનું ગળું દબાવી દીધું. બહેન જમીન પર પડી ગયાં એટલે પેલાએ કહ્યું કે મને તારી હત્યા માટે પાંચ લાખ રૂપિયાની સુપારી મળી છે. એ સાંભળીને શાંતિબહેને કહ્યું કે જેણે પણ તને મોકલ્યો છે તેની પાસેથી પાંચ લાખ લઈ લેજે, બીજા પાંચ લાખ હું તને આપું છું; દસ લાખ લઈને અહીંથી નીકળી જા. શાંતિબહેનની વાત સાંભળીને પહેલાં તો હિસ્ટરીશીટર ત્યાંથી જતો રહ્યો. જોકે થોડી વાર પછી તેનું મન બદલાયું એટલે તે ફરી આવ્યો અને ગળું દબાવ્યું. આ વખતે શાંતિબહેન સજાગ હતાં એટલે તેમણે શ્વાસ રોકીને મરવાનું નાટક કર્યું. પેલો તેમને મરેલાં સમજીને ત્યાંથી ભાગી ગયો. એ પછી તરત જ શાંતિબહેને પોલીસમાં ફરિયાદ કરી હતી. ગુનાહિત હિસ્ટરી ધરાવતા આરોપીના ચહેરા પરથી તેની ઓળખ કરી લેતાં પોલીસે તરત જ તેને પકડી લીધો હતો. આરોપીનું નામ રાકેશ છે અને પોલીસચોકીમાં તેણે શાંતિબહેનના પગ પકડીને છોડી દેવાની ભીખ માગીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.