પતિએ પત્નીનાં લગ્ન તેના બૉયફ્રેન્ડ સાથે કરાવ્યાં બે બાળકોની જવાબદારી પોતે ઉપાડી લીધી

29 March, 2025 06:44 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

બબલુ રાધિકા અને વિકાસને લઈ જઈને સોગંદનામું કરાવ્યું અને પછી પત્નીને તેના પ્રેમીને સોંપી દીધી. ત્યાર બાદ બન્નેનાં લગ્ન શિવ મંદિરમાં થયાં હતાં. આ લગ્નમાં ગામના લોકોએ પણ ભાગ લીધો હતો.

પતિએ પત્નીનાં લગ્ન તેના બૉયફ્રેન્ડ સાથે કરાવ્યાં બે બાળકોની જવાબદારી પોતે ઉપાડી લીધી

ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. અહીં એક પરિણીત મહિલાએ બે બાળકો અને તેના પતિને છોડીને પોતાના પ્રેમીનો હાથ પકડ્યો છે. પત્નીએ પ્રેમી સાથે રહેવાની જીદ કરતાં પતિએ કહ્યું હતું કે ‘સારું, તું ખુશ રહેજે. હું તારાં લગ્ન તારા પ્રેમી સાથે કરાવી આપું છું અને બાળકોની પરવરિશ હું ખુદ કરીશ.’ 
ત્યાર બાદ આ મહિલાના પતિએ જ તેની પત્નીનાં બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરાવ્યાં હતાં અને તેને તેના પ્રેમીને સોંપી હતી.

બબલુનાં લગ્ન ૨૦૧૭માં રાધિકા સાથે થયાં હતાં. તેમનું લગ્નજીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું અને તેમને બે બાળકો પણ છે, જેમાં ૭ વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે. બબલુ નોકરી માટે બહાર ગયો ત્યારે રાધિકાને ગામના જ એક યુવક વિકાસ સાથે પ્રેમ થઈ ગયો. આ વાતની જાણ બબલુને થતાં તેણે રાધિકાને સમજાવી હતી, પરંતુ રાધિકાએ સ્પષ્ટ કહી દીધું કે તે હવે વિકાસ સાથે જ રહેવા માગે છે. પત્નીની ઇચ્છા જોઈને બબલુએ ગામના વડીલોની સલાહ લીધી અને નક્કી કર્યું કે બન્નેનાં લગ્ન થઈ જવાં જોઈએ જેથી કોઈ અપ્રિય ઘટના ન બને.

બબલુ રાધિકા અને વિકાસને લઈ જઈને સોગંદનામું કરાવ્યું અને પછી પત્નીને તેના પ્રેમીને સોંપી દીધી. ત્યાર બાદ બન્નેનાં લગ્ન શિવ મંદિરમાં થયાં હતાં. આ લગ્નમાં ગામના લોકોએ પણ ભાગ લીધો હતો.

લગ્નનો વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં રાધિકા વાદળી સાડી પહેરેલી અને માથે ઓઢીને ઊભેલી જોવા મળે છે અને વિકાસ પણ આ વિડિયોમાં ખુશ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન બબલુ પણ ત્યાં હાજર હતો, પરંતુ પત્નીથી અલગ થવાનું દુઃખ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

offbeat news uttar pradesh national news viral videos social media