30 December, 2025 03:49 PM IST | Pra | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના પિપરોલ ગામમાં એક ભેંસના મૃત્યુ પછી ગામમાં ડરનો માહોલ અને જબરી અફરાતફરી મચી ગઈ હતી. ગામલોકોના કહેવા મુજબ તેમના ગામમાં એક ભેંસને હડકાયું કૂતરું કરડી ગયું હતું. જોકે એ પછી ભેંસ સ્વસ્થ હતી. ૨૩ ડિસેમ્બરે ગામમાં એક માણસનું તેરમાનું મૃત્યુભોજ હતું. એમાં ગામના લગભગ ૨૦૦ લોકો આવ્યા હતા. એ ભોજનમાં જે રાયતું પીરસવામાં આવ્યું હતું એ પેલી કૂતરું કરડેલી ભેંસના દૂધમાંથી બનેલા દહીંનું હતું. જમતી વખતે તો કોઈને કાંઈ થયું નહોતું, પરંતુ જ્યારે ત્રણ દિવસ પછી ૨૬ ડિસેમ્બરે એ ભેંસ અચાનક મૃત્યુ પામી ત્યારે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો. હડકવાથી મૃત્યુ પામેલી ભેંસનું દૂધ પીવાથી કદાચ તેમને પણ હડકવા થશે કે કેમ એના ભયથી જેટલા લોકોએ રાયતું ખાધું હતું એ તમામ ગામના લોકો પબ્લિક હેલ્થ સેન્ટરમાં ઍન્ટિ-રેબીઝની રસી લેવા પહોંચી ગયા હતા. એકસાથે ૨૦૦ જેટલા લોકો જોઈને મેડિકલ કેન્દ્રવાળા પણ ગૂંચવણમાં પડ્યા. નિષ્ણાતોનું કહેવું છે કે દૂધથી હડકવાનો ચેપ ફેલાય એવી સંભાવના ખૂબ ઓછી હોય છે છતાં લોકોમાં જે હદે ડર હતો એ જોતાં બધાને વૅક્સિન આપવામાં આવી.